5500 પગથિયાં અને અતૂટ જોમ: જૂનાગઢમાં કડકડતી ઠંડી વચ્ચે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ
જૂનાગઢ: ગિરનારની ગોદમાં આજે વહેલી સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કડક
જૂનાગઢ: ગિરનારની ગોદમાં આજે વહેલી સવારે એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓએ ગિરનારના પથ્થરોને આંબવા માટે દોટ લગાવી હતી.
આ વર્ષે સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 1115 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ભાઈઓ માટે ગિરનારના 5500 પગથિયાં ચડીને અંબાજી મંદિર સુધી પહોંચવાનું અને પરત આવવાનું પડકારજનક લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જ્યારે બહેનો માટે 2200 પગથિયાં ચડીને માળી પરબ સુધી પહોંચવાની સ્પર્ધા યોજાઈ છે.
2030 કોમનવેલ્થ ગેમ્સ પર નજર
આ સ્પર્ધા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ રમતગમત ક્ષેત્રે ગુજરાતના કૌશલ્યનું પ્રદર્શન છે. રાજ્ય સરકારના પ્રભારી મંત્રી પ્રદ્યુમન સિંહ વાઝાએ તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ત્યારે આવા ખેલાડીઓ અત્યારથી જ તૈયાર થાય તે જરૂરી છે. આવનારા દિવસોમાં આ ગિરનાર સ્પર્ધાને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરની 'કોમ્પિટેશન'માં સમાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
ઠંડીમાં પણ ગરમાવો
જૂનાગઢમાં ઠંડીનો પારો ગગડ્યો હોવા છતાં ખેલાડીઓના જોશમાં કોઈ કમી જોવા મળી ન હતી. વહેલી સવારના ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે પણ ખેલાડીઓએ જે ઝડપે ગિરનાર સર કરવાની શરૂઆત કરી તે જોઈને દર્શકો પણ દંગ રહી ગયા હતા.
આ પ્રસંગે પ્રદ્યુમન વાઝા (પ્રભારી મંત્રી) એ જણાવ્યું હતું કે, "ગુજરાતના યુવાનોમાં સાહસિક વૃત્તિ વધે તે હેતુથી આ સ્પર્ધા મહત્વની છે. ખેલાડીઓ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરે તેવી અમારી અપેક્ષા છે."
કર્મવીર કામલિયા (સ્પર્ધક)એ જણાવ્યું હતું કે, "ગિરનારની સ્પર્ધામાં ભાગ લેવો એ ગર્વની વાત છે. આકરી ઠંડી હોવા છતાં પ્રેક્ટિસ અને જોશના કારણે અમે આ લક્ષ્ય ચોક્કસ સર કરીશું."








