અમેરિકાની કોલેજની ફીમાં ડિસ્કાઉન્ટની લાલચે આ રીતે સુરતની યુવતીએ ગુમાવ્યા 6.45 લાખ
યુએસની કોલેજની ફી ઓનલાઇન ભરીને ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપીને સુરતની યુવતી પાસેથી 6.45 લાખ પડાવી

યુએસની કોલેજની ફી ઓનલાઇન ભરીને ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપીને સુરતની યુવતી પાસેથી 6.45 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર સામે સુરતના કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.કાપોદ્રાની યુવતી નિશાએ પોતાના ભાઇ જીલને યુએસની કોલેજમાં પ્રવેશ મળવાની વાત તેના મિત્ર જૈમીનને કરી હતી. જૈમીને ઓનલાઇન ફી ભરી આપવાની સાથે ડિસ્કાઉન્ટ અપાવવાની લાલચ આપી હતી.
સોશિયલ મીડિયાથી મિત્રતા થયેલી
કાપોદ્રાના હરિરામબાપા નગરમાં રહેતી નિશા ધર્મેશ જીયાણી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 9 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો પરિચય વરાછા રામદેવપીર સોસાયટીમાં રહેતા જૈમીન હિંમત લાઠીયા સાથે થયો હતો અને મિત્રતા બંધાઇ હતી. જેમાં જૈમીને ડિસ્કાઉન્ટની લાલચ આપી નિશાના ભાઇની યુએસની કોલેજમાં ફી ભરવાના રૂપિયા લીધા હતા.
સ્ક્રિન શોટ મોકલ્યો હતો
જીલના ડોક્યુમેન્ટસ મોકલ્યા બાદ જૈમિને ક્રેડિટ કાર્ડથી યુએસની કોલેજમાં 6 મહિનાની 15,414.13 ડોલર ફી ભર્યાનો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. જેથી નિશાએ જૈમીનને 6.45 લાખ આપ્યા હતા. જીલ યુએસ જતા કોલેજે ક્રેડિટ કાર્ડથી ભરાયેલી ફી કેશબેક થવાનું જણાવી ફી ભરવા જણાવ્યું હતું. નિશાએ જ્યારે જૈમીન પાસે રૂપિયા માંગતા તેણે ગલ્લાતલ્લા કરતાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.








