Gir Somnath/ 'સિક લિવ' પર ઉતરેલા પ્રભાસ પાટણના PI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ચકચાર

ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ બેડામાં ચકચાર જગાવતો એક બનાવ સામે આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) જયદીપસિંહ જાડેજા દ્વારા પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.વી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PI પટેલ મનસ્વી રીતે 'સિક લિવ' (બિમારીની રજા) પર ઉતરી જતાં SP દ્વારા તેમની સામે આ પગલું લેવામાં આવ્યું છે.
રજા વિવાદ અને સસ્પેન્શન
પ્રાપ્ત માહિતી અનુસાર, PI એમ.વી. પટેલે તેમની ભત્રીજીના લગ્ન પ્રસંગ માટે રજાની માંગણી કરી હતી. જોકે, તેમની રજા મંજૂર કરવામાં આવી ન હતી. રજા મંજૂર ન થતાં PI એમ.વી. પટેલ મનસ્વી રીતે સત્તાવાર મંજૂરી વિના સિક લિવ પર ઉતરી ગયા હતા. આ ગંભીર શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી ગણીને SP જયદીપસિંહ જાડેજાએ તાત્કાલિક અસરથી PI એમ.વી. પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
SP જાડેજા દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાંને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. આ પગલાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ફરજ પરની ગેરહાજરી અને શિસ્તભંગના કિસ્સામાં કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

