મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: GIDCનું કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ત્રાહિમામ્!,  AMC, GIDCની સામે અનેક મૌખિક તથા લેખિત રજુઆતો છતાં તંત્ર સાંભળતું નથી!

સોર્સ: gstv

અમદાવાદના કઠવાડા GIDC ગેટ પર જતા જ હુડકો વસાહત પ્રાથમિક શાળાના પાછળના ભાગમાં આવેલ ખુલ્લી જગ્યામાં નોનવેજની ગેરકાયદે હાટડીઓ, દેશી દારૂની હાટડી, તથા અન્ય બીજા નાના મોટા અવનવા ધંધાર્થીઓએ દબાણ ઊભા કર્યા હોવાની વ્યાપક ફરિયાદો થઈ રહી છે. GIDC વિસ્તારમાં આવતા જતા રાહદારીઓ અનેક મુશ્કેલીઓ ઉદ્ભવી રહી છે, જેમા ખાસ કરીને લોકોના ફોન ઝૂંટવી લેવા, પોકેટ મારી લેવા, મારામારી કરવી, શાકભાજીની હાટડી અને સાંજના સમયે શાકભાજી વેચાતું માર્કેટ હોય ત્યાં આવતી મહિલાઓને હેરાન પરેશાન તથા છેડતીના કિસ્સા પણ બન્યા હોવાની ફરિયાદો થઈ રહી છે. આ બાબતે કઠવાડા GIDC એસોસિએશન દ્વારા AMC પૂર્વ ઝોનના ઉચ્ચ અધિકારીઓ તથા નિકોલ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપવા છતાં, આ પરિસ્થિતિ અટકવાની જગ્યાએ રોજબરોજ વધી રહી છે!. જેની સામે પોલીસ અને AMC તંત્ર આંખ આડા કાન કરતું હોવાની વિસ્તારમાં ચર્ચા વહેતી થઈ છે. GIDCના વિશ્વસનીય સૂત્રો થકી મળેલી જાણકારી અને માહિતી પ્રમાણે વારંવાર પોલીસ અને AMC તંત્રને મૌખિક અને લેખિત ફરિયાદો આપવા છતાં તંત્ર કેમ નિંભર બન્યું છે, તે એક પેચીદો અને યક્ષ સવાલ બન્યો છે!

સર્વિસ રોડ પર શાક માર્કેટથી પરેશાની

સર્વિસ રોડ પરના શાકભાજી માર્કેટના લીધે અવારનવાર અસહ્ય ટ્રાફિક તથા નાના મોટા અકસ્માતો થતા હોય છે, અને આવનાર સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો મોટા અકસ્માતો થવાની ભીતિ રહેલી છે! ઓઢવ રિંગ રોડ સર્કલથી લઈને ઇન્દોર હાઈવે પર આવેલા આ હુડકો વસાહત પાસેના શાકભાજી માર્કેટવાળા રોડ પર તથા પશુપતિનાથ મહાદેવ મંદિરની આજુબાજુ વગર પરવાનગીએ ચાલતી નોનવેજની દુકાનો, નાના મોટા પતરાના શેડ અને દુકાનોને લીધે અસહ્ય ટ્રાફિક અને દુષણ ઉદ્ભવતું હોવાની પણ સ્થાનિકોએ ફરિયાદ કરી છે.

શાળાની આજુબાજુ પણ દબાણથી લોકો હેરાન

સવારના અને સાંજના સમયે સી. એલ સરસ્વતીકુંજ શાળાની આજુબાજુમાં તથા હુડકો વસાહત જવાના સર્વિસ રોડ પર ધંધાર્થીઓના દબાણને કારણે ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે, ક્યારેક ક્યારેક નજીકમાં આવેલ સિંગરવા સરકારી હોસ્પિટલમાં જતી અને આજુબાજુના વિસ્તારના પીડિત દર્દીઓને ઇમરજન્સીમાં સિવિલ હોસ્પિટલ કે, સિંગરવા હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલ લઈ જતી 108 એમ્બ્યુલન્સ અટવાઈ જતી હોય છે!, જેથી દર્દીઓના જીવ તાળવે ચોંટી જાય છે.

કઠવાડા GIDC એસોસિએશને સ્વ-ખર્ચે તૈયાર કર્યા રોડ

GIDC વિસ્તાર તથા આજુબાજુમાં વરસાદી પાણીનો દર વર્ષે થતો ઘૂંટણ અને કમર સુધીના પાણીનો ભરાવો અટકાવવા એસોસિએશન દ્વારા સ્વ- ખર્ચે તળાવ ઊંડું કરાવ્યું હતું. બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલ GIDC ના મુખ્ય માર્ગ પર અંદાજિત 1.2 કિલોમીટર સુધીનો RCC વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યો હતો.જેમાં અંદાજિત 5.5 કરોડનો એસોસિએશને ખર્ચ ઉપાડ્યો હતો. આ કઠવાડા GIDC એસોસિએશનની મુખ્ય માંગમાં AMC અને GIDC તથા ઔડાના સંકલન થકી દર વર્ષે ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે GIDC હદ વિસ્તારના તળાવમાંથી મુખ્ય પાણી નિકાલ લાઈનમાં જોડાણ આપી દેવામાં આવે તો ઘણીબધી રાહત થઈ શકે તેમ છે!. 

'પ્રાથમિક સુવિધાઓ માટે પણ હાથ અધ્ધર કરે છે GIDC'

કઠવાડા GIDCમાં 551 નાના મોટા એકમો આવેલા છે. આ એકમોમાં આવતા મજૂરો, કર્મચારીઓ તથા અન્ય સ્ટાફ સાથે સાથે આ 551 એકમોના વાહન વ્યવહાર થાય એ યોગ્ય અને ઉચિત છે. એના સિવાય આજુબાજુના એસ્ટેટ તથા અન્ય બહારના આવતા જતા નાના મોટા લોડીંગ વાહનોની અવર જવરના કારણે ટ્રાફિક સમસ્યા તથા GIDC ના રોડ રસ્તા તૂટવાથી ખરાબ થતા હોય છે. અને તેની મરામત GIDC એસોસિએશન દ્વારા કરવાની હોવાથી ભારણ વધી જતું હોય છે. આજુબાજુના અન્ય એસ્ટેટ કે, એકમો GIDCના રોડ રસ્તા વપરાશ બદલ કોઈપણ પ્રકારની મદદ કે ખર્ચમાં સહાય ના કરતાં હોવાથી GIDC એસોસિએશન પર વધારાનું ભારણ વધી જતું હોય છે. અને જે તે ભંડોળ હોય એમાંથી અન્ય સુવિધાયુક્ત કામગીરીના બદલે મરામત પાછળ જ પૈસો વેડફાય જતો હોવાથી તંત્ર તાત્કાલિક પ્રજાહિતમા યોગ્ય નિરાકરણ લાવે એવી એસોસિએશન માંગ કરી છે. 

લેખિત મૌખિક રજૂઆતો છતાં તંત્ર નથી લાવતું નિરાકરણ

GIDCને અડીને આવેલ મધુમાલતી આવાસ યોજનામાં દર વરસે ઘૂંટણ અને કમર સુધીના તથા પ્રથમ માળ ડૂબી જાય એટલા પાણી ભરાતા હોય છે, જેને રોકવા તંત્રના અનેક પ્રયાસો પછી સમસ્યાનું નિરાકરણ આવતું નથી! આજુબાજુના એસ્ટેટ તથા GIDCમાં હજારો લાખો શ્રમિકો આવતા હોય છે, અને રોજરોટી મેળવતા હોય છે. એમને આવવા જવા તથા ઔધોગિક એકમોને ટ્રાન્સપોર્ટ તથા માલસામાનની હેરફેરમાં અનેક તકલીફો વેઠવી પડતી હોય છે. કેટલાક એકમોમાં લાખોના માલસામાન બગડી જતા તથા સળી જતા હોવાની એસોસિએશન આપવીતી જણાવી હતી. હાલ આ તમામ મામલે તંત્ર યોગ્ય પગલાં લઈ સત્વરે પ્રજાહિતમાં કામગીરી કરે એવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો