મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની શરદ પૂનમની ઉત્તરદાયિત્વ સાથેની ઉજવણી, વૃધ્ધાશ્રમથી આવેલા વૃદ્ધોને હૂંફ-પ્રેમ આપી બોલાવી ગરબાની રમઝટ

તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓએ નવરાત્રિ બાદ ઉત્તરદાયિત્વ સાથેની શરદ

સુરતની શરદ પૂનમની ઉત્તરદાયિત્વ સાથેની ઉજવણી, વૃધ્ધાશ્રમથી આવેલા વૃદ્ધોને હૂંફ-પ્રેમ આપી બોલાવી ગરબાની રમઝટ

તહેવારની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓએ નવરાત્રિ બાદ ઉત્તરદાયિત્વ સાથેની શરદ પૂનમની ઉજવણી કરી હતી. વૃધ્ધાશ્રમથી વૃદ્ધોને પોતાની સોસાયટીમાં બોલાવીને તેમને પ્રેમ-હૂંફ અને લાગણીનો અહેસાસ કરાવીને તેમના સાથે રહીશોએ ગરબાની રમઝટ બોલાવીને ખરા અર્થમાં માનવતાનું કાર્ય કર્યું હતું. આટલું જ નહીં પરંતુ લોકોએ યથાશક્તિ રૂપિયા એકઠા કરીને પ્રભુજી સ્વરૂપ લોકોને ઉદાર હાથ દાન પણ આપ્યું હતું.

મોટા વરાછાના અબ્રામા રોડ પર આવેલી અમૃત રેસિડેન્સી ખાતે શરદપૂનમની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અહીં લોક સેવા સદભાવના વૃધ્ધાશ્રમથી વૃધ્ધો-નિરાધારો અને માનસિક બીમાર લોકોને લાવવામાં આવ્યાં હતાં. તેમને દૂધ પૌઆની જયાફત કરાવવાની સાથે સાથે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તથા તેમની સાથે સોસાયટીના લોકો દ્વારા ગરબા કરવામાં આવ્યાં હતાં. આ તકે પ્રભુજી સ્વરૂપ તમામે સોસાયટીના લોકો પ્રત્યે અદકેરી લાગણીનું જોડાણ હોવાનો અનુભવ કર્યો હતો.

સોસાયટીના રહીશોએ કહ્યું કે, અમે દરવર્ષે શરદ પૂનમ વૃધ્ધાશ્રમના વડીલો સાથે ઉજવીએ છીએ. અમારી સોસાયટીની એકતા અને નેકી કરવાની ભાવના ઉદાર છે. મહાપ્રભુજી સ્વરૂપ વૃધ્ધાશ્રમથી આવેલા લોકોને પોતાના વડીલો ગણીને તેમની સાથે જ ગરબા રમ્યા હતાં. ત્યારબાદ ઉદાર હાથે દાન પણ આપ્યું હતું. 75 હજાર રૂપિયા જેટલું દાન સૌ કોઈએ પોતાની શક્તિ પ્રમાણે આપ્યું હતું. જે તમામ દાન વૃધ્ધાશ્રમને આપી દેવામાં આવ્યું છે. વૃધ્ધાશ્રમથી આવેલા લોકોમાં સારા ગરબા કરનાર વિજેતાને પણ ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ દૂધ પૌઆ ખવડાવીને તેમની સાથે કોઈ હોવાનો અહેસાસ કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો