Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : UCC Bill passed in Gujarat Assembly, becoming the second state in india

Gandhinagar news: ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર, આ કાયદો લાવનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર, આ કાયદો લાવનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું
સોર્સ : gstv

આજે (24મી માર્ચ) ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં 'સમાન નાગરિક સંહિતા' (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતીથી પસાર થઈ ગયું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 'ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026' તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો.

App Store

'આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે': CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું, કહ્યું હતું કે 'સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે.  મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.'

બિલમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો

ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.

દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.

કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.

લિવ-ઇન રિલેશનશિપ

ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.

કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

લઘુમતી સમાજ માટે છૂટ

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્ત્વ પણ ન રાખવામાં આવ્યું, અને સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.  

ઉતાવળે બિલ લાવવામાં આવ્યું: કોંગ્રેસ

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય, સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.

શું છે UCC બિલના મુખ્ય અંશો?

UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

સરકારે બિલમાં રાખી છે છૂટછાટ

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.

જસ્ટિસ રંજના દેસાઈ સમિતિનો અહેવાલ

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે, જેના આધારે આ વિધેયક તૈયાર કરાયું છે.