સીમાંકન અને મહિલા અનામતથી ગુજરાતનું રાજકીય ચિત્ર બદલાશે, લોકસભામાં મહિલાઓ માટે 13 બેઠકો થઈ શકે અનામત

સીમાંકન અને મહિલા અનામતથી ગુજરાતનું રાજકીય ચિત્ર બદલાશે, લોકસભામાં મહિલાઓ માટે 13 બેઠકો થઈ શકે અનામત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં 1975થી વિધાનસભાની 182 બેઠકો યથાવત છે, પરંતુ હવે નવા સીમાંકન અને મહિલા અનામતની પ્રક્રિયા અમલમાં આવે તો રાજ્યનું રાજકીય ચિત્ર મોટા પાયે બદલાઈ શકે છે. કેન્દ્ર સરકાર લોકસભામાં નવા સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા બંધારણીય સુધારાઓને આગળ વધારવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારો અમલમાં આવે તો 2029ની લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંનેનું સંખ્યાબળ વધવાની સાથે ચૂંટણીના સમીકરણોમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા છે.

હાલ ગુજરાતમાંથી 26 સાંસદો લોકસભામાં ચૂંટાઈને જાય છે. સૂચિત 50 ટકા બેઠકોના વધારાના મોડેલ પ્રમાણે ગુજરાતની લોકસભા બેઠકો 26થી વધીને 39 થઈ શકે છે. બીજી તરફ, વિધાનસભાની હાલની 182 બેઠકોમાં આશરે 50 ટકા વધારો થાય તો સંખ્યા 273 સુધી પહોંચી શકે છે. આ સાથે રાજ્યની 11 રાજ્યસભા બેઠકોમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.

જાહેરાત

લોકસભાની 13 અને વિધાનસભાની 91 બેઠકો મહિલાઓ માટે અનામત

મહિલા અનામત અધિનિયમ હેઠળ લોકસભા અને વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. નવા સીમાંકન સાથે તેનો અમલ થાય તો ગુજરાતની 39 લોકસભા બેઠકોમાંથી અંદાજે 13 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ શકે છે. આ જ પ્રમાણે, 273 વિધાનસભા બેઠકોમાંથી લગભગ 91 બેઠકો મહિલા અનામત હેઠળ આવી શકે છે. આ ફેરફાર ગુજરાતના રાજકારણમાં પુરુષ નેતાઓના વર્ચસ્વ ધરાવતા અનેક મતવિસ્તારોમાં નવા પડકારો ઊભા કરશે. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી, સ્થાનિક સંગઠન અને ચૂંટણીની રણનીતિમાં મોટા ફેરફારો કરવા પડી શકે છે. વર્ષોથી એક જ મતવિસ્તારમાંથી ચૂંટણી લડતા નેતાઓએ પણ નવા મતવિસ્તાર અથવા મહિલા અનામતની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની રાજકીય રણનીતિ બદલવી પડશે.

ગુજરાતમાં બેઠકોની સંખ્યાનો ઇતિહાસ

ગુજરાત રાજ્યની રચના બાદ વિધાનસભાની બેઠકોની સંખ્યામાં સમયાંતરે વધારો થયો છે. છેલ્લે 1975માં બેઠકોની સંખ્યા 182 થઈ હતી, જે આજ સુધી યથાવત છે. આશરે 50 ટકા બેઠકોના વધારાથી ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ 273 થઈ શકે છે. આ ફેરફાર રાજ્યના રાજકીય અને ચૂંટણી માળખામાં મોટો પરિવર્તન લાવી શકે છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ ફેરફારોની શક્યતા

વસ્તી વધારા અને શહેરી વિસ્તરણને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં મતવિસ્તારોની સીમાઓમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. નવા સીમાંકન દરમિયાન શહેરી વિસ્તારોમાં નવી બેઠકો રચાવાની સાથે હાલના મતવિસ્તારોના ભૌગોલિક વિસ્તાર અને મતદારોના સમીકરણો પણ બદલાઈ શકે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા તથા તેના ભૌગોલિક વિસ્તારોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. ખાસ કરીને આદિવાસી અને દલિત મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં નવા રાજકીય સમીકરણો ઊભા થઈ શકે છે.

અનેક દિગ્ગજ નેતાઓની રાજકીય જમીન ખસી શકે

નવા સીમાંકન અને મહિલા અનામતની પ્રક્રિયા માત્ર બેઠકો વધારવા પૂરતી મર્યાદિત નહીં રહે. મતવિસ્તારોની સીમાઓ બદલાશે અને કેટલીક બેઠકો મહિલા અનામત હેઠળ આવશે, જેના કારણે હાલના પુરુષ ધારાસભ્યો અને સાંસદો માટે રાજકીય પડકાર ઊભો થઈ શકે છે. રાજકીય પક્ષોએ નવી બેઠકો પર સંગઠન ઊભું કરવું, ઉમેદવારોની પસંદગી કરવી અને સ્થાનિક જાતિ, સમાજ તથા વિસ્તારના સમીકરણોને ફરી ગોઠવવા પડશે. વર્ષોથી એક જ મતવિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓ માટે પણ નવી પરિસ્થિતિમાં પોતાનું રાજકીય અસ્તિત્વ જાળવવું પડકારરૂપ બની શકે છે. નવું સીમાંકન અને મહિલા અનામત અમલમાં આવે તો ગુજરાતમાં ચૂંટણીનું રાજકારણ માત્ર બેઠકોની સંખ્યામાં વધારા પૂરતું નહીં, પરંતુ ઉમેદવારો, પક્ષોની રણનીતિ અને મતદારોના સમીકરણોમાં પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે.

વર્ષ વિધાનસભાની બેઠકો
1960 132
1962 154
1967 168
1975થી હાલ સુધી 182
સંભવિત નવા સીમાંકન મુજબ 273

આ સમાચાર શેર કરો

જાહેરાત