સીમાંકન અને મહિલા અનામત બિલ પર ઘમાસાણ, મોદી સરકારને રોકવા ખડગેનો ‘આખરી દાવ’!

30 નવેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર પહેલાં સીમાંકન અને મહિલા અનામત બિલને લઈને રાજકીય હલચલ તેજ બની છે. એક તરફ મોદી સરકાર બિલ પસાર કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતી મેળવવાના પ્રયાસમાં પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે જોડવામાં લાગી છે, તો બીજી તરફ કોંગ્રેસે સરકારની આ રણનીતિને નિષ્ફળ બનાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી પક્ષોને એકજૂથ રાખવા માટે ‘આખરી દાવ’ ખેલ્યો છે. તેમણે સમાન વિચારધારા ધરાવતા તેમજ તટસ્થ વલણ અપનાવતા મુખ્ય પક્ષોને બેઠક માટે આમંત્રણ મોકલ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે (આજે 28 નવેમ્બરે) પોતાના નિવાસસ્થાને વિપક્ષી પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી છે. આ બેઠકનો હેતુ સરકારના પ્રસ્તાવિત બિલ સામે સંયુક્ત રણનીતિ તૈયાર કરવાનો છે.
મલ્લિકાર્જુન ખડગેના રાજાજી માર્ગ સ્થિત નિવાસસ્થાને શનિવારે સવારે 11:30 વાગ્યે આ બેઠક યોજાશે. તેમાં 'ઇન્ડિયા' ગઠબંધનમાં સામેલ પક્ષો ઉપરાંત DMK, આમ આદમી પાર્ટી અને BJDના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એવા પક્ષો છે, જે હાલ સંસદમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
આ પક્ષોને મોકલાયું આમંત્રણ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મહત્વપૂર્ણ રણનીતિક બેઠક માટે DMK, આમ આદમી પાર્ટી, NCP (શરદ પવાર જૂથ) અને ઓડિશાના મુખ્ય પક્ષ બીજુ જનતા દળ (BJD) સહિત અનેક વિપક્ષી પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલ્યું છે. કોંગ્રેસનો પ્રયાસ છે કે સંસદમાં મતદાન થાય તે પહેલાં આ પક્ષોના મનમાં રહેલી દ્વિધા દૂર કરવામાં આવે અને તમામ વિપક્ષી પક્ષો સાથે મળીને એક સંયુક્ત રણનીતિ તૈયાર કરે.
સીમાંકન બિલને લઈને સરકારના પ્રયાસો સામે કોંગ્રેસ હવે આરપારની લડાઈના મૂડમાં છે. અન્ય વિપક્ષી પક્ષોને પોતાની સાથે જોડવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે. આમાં DMK, BJD, આમ આદમી પાર્ટી અને NCP (શરદ પવાર જૂથ) સૌથી મોટો પડકાર બની શકે છે. જો કોંગ્રેસ આ પક્ષોને પોતાની સાથે રાખવામાં સફળ થાય છે, તો સરકારની રણનીતિને મોટો ઝટકો લાગી શકે છે. જોકે, સરકાર જે રીતે તૈયારી કરી રહી છે તે જોતાં સ્પષ્ટ છે કે તે પણ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે.
કોંગ્રેસ સામેના મોટા પડકારો
એપ્રિલ 2026માં જ્યારે મોદી સરકાર સીમાંકન અને મહિલા અનામત સુધારા બિલ લઈને આવી હતી, ત્યારે વિપક્ષની મજબૂત એકતાને કારણે આ બિલ લોકસભામાં પસાર થઈ શક્યું નહોતું. જોકે, છેલ્લા સાત મહિનામાં સંસદનું સંખ્યાબળ ઘણું બદલાઈ ગયું છે.
વિપક્ષી છાવણીના ત્રીજા સૌથી મોટા પક્ષ TMCમાં ભંગાણ પડ્યું છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના છ સાંસદોએ પણ પક્ષ બદલી લીધો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદો પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. દક્ષિણ ભારતની રાજકીય ભાગીદારી સુરક્ષિત રાખવા માટેના સંભવિત નવા ફોર્મ્યુલાને લઈને DMKએ 'વેઇટ એન્ડ વોચ'ની નીતિ અપનાવી છે. એટલે કે બિલનો મુસદ્દો જોયા બાદ જ અંતિમ નિર્ણય લેવાનો સંકેત આપ્યો છે.
આવી જ રીતે શરદ પવાર જૂથનાં સાંસદ સુપ્રિયા સુળેના નરમ વલણવાળા નિવેદનથી પણ કોંગ્રેસની ચિંતા વધી છે. ઓડિશાનો પક્ષ BJD પણ સંસદમાં ઘણીવાર મુદ્દાઓના આધારે તટસ્થ અથવા સરકારના પક્ષમાં વલણ અપનાવતો રહ્યો છે. આવી સ્થિતિમાં ખડગેએ BJDને બેઠકમાં આમંત્રણ આપ્યું છે, જેને વિપક્ષી એકતાનો વ્યાપ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
TMCના 20 બળવાખોર સાંસદો અને શિવસેના (UBT)ના છ સાંસદોના પક્ષપલટા ઉપરાંત રાજ્યસભામાં AAPના સાંસદોના પક્ષપલટાને કારણે વિપક્ષનું સંખ્યાબળ પહેલાંની સરખામણીએ નબળું પડ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ હવે એવા વિપક્ષી પક્ષોને ફરી પોતાની સાથે જોડવાના પ્રયાસમાં છે, જેમનું વલણ બદલાઈ રહ્યું છે. આગામી વિશેષ સત્રમાં સીમાંકન અને મહિલા અનામત બિલને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે રસાકસી જોવા મળી શકે છે.














