બજેટ ખોરવાશે કપાસમાં 400 તો ધાણા-જીરું અને મરચાના જથ્થાબંધ ભાવમાં મોટો વધારો

રાજ્યમાં અનિયમિત અને અસમતોલ ચોમાસાને પગલે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડતા કેટલાક કૃષિ ઉત્પાદનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જોકે, ઉત્પાદનમાં જેટલો ઘટાડો થયો છે તેના કરતાં છૂટક બજારમાં ખાદ્યચીજોના ભાવ અનેકગણા વધારી દેવાયા છે. માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા થતી જથ્થાબંધ ખરીદીના ગત વર્ષના 18 નવેમ્બર 2025 અને આજના 18 નવેમ્બર 2026ના ભાવની સરખામણી કરવામાં આવે તો એક જ વર્ષમાં મગફળી અને કપાસમાં પ્રતિ મણ રૂ. 400નો તથા ધાણા, જીરુ અને સૂકા મરચાના ભાવમાં રૂ. 1200થી 1500 જેટલો તોતિંગ વધારો થયો છે.
તેલલોબી સામે સરકારના આંખ આડા કાન, સિંગતેલમાં રૂ. 600 વધ્યા
મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1503 છે, જેની સામે બજારમાં ખેડૂતોને રૂ. 1600થી 1800 સુધીના ભાવ મળી રહ્યા છે. એક વર્ષમાં મગફળીના બજારભાવમાં રૂ. 400 વધ્યા છે, પરંતુ તેલલોબી પ્રતિ સરકારના આંખ મિચામણાના પગલે મગફળીમાંથી બનતા સિંગતેલના ભાવમાં રૂ. 600નો વધારો ઝીંકી દેવાયો છે. નવાઈની વાત એ છે કે મગફળીનું સરેરાશ ઉત્પાદન જળવાયું છે અને ગત વર્ષે વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં ભાવ સતત વધી રહ્યા છે.
કઠોળ, તલ અને શાકભાજીના ભાવ પણ આસમાને
અનાજની સાથે કઠોળ પણ મોંઘાદાટ બન્યા છે. પ્રતિ 20 કિલોએ મગના ભાવમાં રૂ. 245, ચણામાં રૂ. 435 અને અડદમાં રૂ. 520નો વધારો થયો છે. શિયાળામાં જેની ચીકી વ્યાપકપણે ખવાય છે તે તલના ભાવ પ્રતિ મણ રૂ. 1300 જેટલા વધ્યા છે. આ ઉપરાંત બટાટા સિવાયના અન્ય શાકભાજીમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે, જેમાં લીંબુના ભાવ ગત વર્ષે પ્રતિ મણ રૂ. 280થી 640 હતા તે આ વર્ષે વધીને રૂ. 825થી 1590 એટલે કે અંદાજે રૂ. 900 જેટલા વધી ગયા છે.
ગ્રાહકો સુધી પહોંચતા ભાવ બમણા થઈ જાય છે
માર્કેટ યાર્ડના ઉપરોક્ત ભાવ વેપારીઓની જથ્થાબંધ ખરીદીના છે. સામાન્ય લોકો જ્યારે કરિયાણાની દુકાનેથી ખરીદી કરે છે ત્યારે આ જણસી પર પેકિંગ, સોર્ટિંગ ખર્ચ ઉપરાંત નફો અને કમિશન વગેરે ઉમેરાતા તે બમણાથી પણ વધુ ઊંચા ભાવે લોકોને મળે છે. એકંદરે સરકારી નીતિઓને કારણે રસોડામાં વપરાતી તમામ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ખાંડ, ગોળ, તેલ, શાક, કઠોળ, અનાજ અને રાંધણગેસ સહિત તમામમાં બેફામ ભાવવધારો થયો છે. જેના કારણે સામાન્ય પરિવાર માટે સુખસુવિધાની વસ્તુઓ તો દૂર રહી, પરંતુ બે ટંક પેટ ભરવા માટે ભોજન પણ મોંઘું કરી દેવાયું છે.











