Video: અમદાવાદ મ્યુનિ.નો સોશિયલ મીડિયા પ્રચાર માટે 2.16 કરોડનો ખર્ચ, રોજ ત્રણ પોસ્ટ અને રીલ મૂકવાની તૈયારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હવે સોશિયલ મીડિયાનો ફીવર ચડ્યો હોય તેમ કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા અને જેન ઝી વર્ગને આકર્ષવા માટે પ્રજાના ટેક્સના 2 કરોડ 16 લાખ ખર્ચવાની તૈયારી શરૂ કરી છે. આ માટે બે વર્ષના સમયગાળા માટે 'ઈવીએમ કન્સલ્ટન્સી'ને કામગીરી સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં જીએસટીનો ખર્ચ અલગથી ચૂકવવામાં આવશે. અગાઉ આ કામ માટે વાર્ષિક ૬૦ થી ૭૦ લાખનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ રિ-ટેન્ડર બાદ આ રકમ વધારીને સીધી વાર્ષિક ૧.૦૮ કરોડ પર પહોંચાડી દેવાઈ છે. આ એજન્સીને ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ કે રીલ મૂકીને ફોલોઅર્સ વધારવાની સૂચના અપાઈ છે. આમ, હવે રસ્તા પરના હોર્ડિંગ્સને બદલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા પોતાના વખાણ કરાવવા પાછળ તંત્ર કરોડો રૂપિયાનું આંધણ કરવા જઈ રહ્યું છે.












