ગાંધીનગરમાં ઓર્થોપેડિક તબીબોનો મહાકુંભ: 1 ડિસેમ્બરથી IOACON 2026, દેશ-વિદેશના 4,500 નિષ્ણાતો રોબોટિક્સ અને AI પર કરશે મંથન

ગાંધીનગરમાં ઓર્થોપેડિક તબીબોનો મહાકુંભ: 1 ડિસેમ્બરથી IOACON 2026, દેશ-વિદેશના 4,500 નિષ્ણાતો રોબોટિક્સ અને AI પર કરશે મંથન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતની રાજધાની ગાંધીનગર આગામી 1થી 6 ડિસેમ્બર દરમિયાન હાડકાં અને સાંધાના નિષ્ણાત તબીબોના આંતરરાષ્ટ્રીય સંમેલનનું સાક્ષી બનશે. મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશન (Indian Orthopaedic Association)ની 71મી વાર્ષિક કોન્ફરન્સ 'IOACON 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. છ દિવસ ચાલનારા આ સંમેલનમાં દેશ-વિદેશના અંદાજે 4,500 ઓર્થોપેડિક તબીબો અને પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કોન્ફરન્સમાં 500થી વધુ ફેકલ્ટી સભ્યો અને નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. 'Where Brilliance Meets Bharat' થીમ હેઠળ યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઓર્થોપેડિક સારવાર (Orthopaedic Treatment) ક્ષેત્રે નવી ટેકનોલોજી, સંશોધન અને તબીબી જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાનો છે.

700થી વધુ પ્રેઝન્ટેશન અને 20 વર્કશોપનું આયોજન

કોન્ફરન્સ દરમિયાન 700થી વધુ પોડિયમ પ્રેઝન્ટેશન (Podium Presentation) રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 15 આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો પોતાના અનુભવો અને સંશોધનો રજૂ કરશે. તબીબો માટે લગભગ 20 વર્કશોપ (Workshops)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ખાતે પાંચ વિશેષ કેડેવેરિક વર્કશોપ (Cadaveric Workshop) યોજાશે. તેમાં મૃતદેહ પર પ્રેક્ટિકલ તાલીમ દ્વારા તબીબોને સર્જરીની પદ્ધતિઓનો વ્યવહારુ અનુભવ આપવામાં આવશે. મહાત્મા મંદિરમાં સોબોન (Sawbone) વર્કશોપ પણ યોજાશે.

જાહેરાત

રોબોટિક્સ અને AI બનશે આકર્ષણનું કેન્દ્ર

આધુનિક તબીબી ક્ષેત્રમાં રોબોટિક્સ (Robotics) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આ કોન્ફરન્સમાં ઓર્થોપેડિક સર્જરી અને સારવારમાં આ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વિશાળ મેડિકલ એક્ઝિબિશન (Medical Exhibition) પણ યોજાશે. તેમાં ઇમ્પ્લાન્ટ ઉત્પાદકો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રની 100થી વધુ કંપનીઓ ભાગ લેશે. તેઓ સારવાર ક્ષેત્રે વિકસેલી નવી ટેકનોલોજી અને ઉપકરણો રજૂ કરશે. આ કોન્ફરન્સથી તબીબોને નવી સર્જિકલ પદ્ધતિઓ શીખવાની, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સાથે વિચારોની આપ-લે કરવાની અને ઓર્થોપેડિક સારવારના ભવિષ્ય અંગે જાણવાની તક મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત