રાજ્યપાલનો નવો આદેશ: ગુજરાત વિધાનસભાના 9મા સત્રની તારીખ બદલાઈ, જાણો નવું સંપૂર્ણ શેડ્યૂલ

ગુજરાત વિધાનસભાના આગામી 9મા ચોમાસુ સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા અગાઉ 8મી સપ્ટેમ્બરથી સત્ર બોલાવવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેને રદ કરીને હવે 9મી સપ્ટેમ્બરથી નવું સત્ર બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સત્ર કુલ ત્રણ દિવસ માટે મળશે.
ગુજરાત વિધાનસભાના 9મા સત્રની તારીખોમાં ફેરફાર
ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ગત 3 ઑગસ્ટ 2026ના રોજ રાજ્યના રાજ્યપાલ દ્વારા વિધાનસભાનું નવમું સત્ર 8 સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. જો કે, સોમવારે (તા. 31 ઑગસ્ટ 2026ના રોજ) રાજ્યપાલે ચોમાસુ સત્રને લઈને નવું આહ્વાન કર્યું છે.
હવે 9મી સપ્ટેમ્બરથી ચોમાસુ સત્રનો થશે પ્રારંભ
નવા આદેશ મુજબ, હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આમ, 9, 10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ સુધી ચાલશે. ત્રણ દિવસીય આ ટૂંકા સત્ર દરમિયાન ગૃહમાં વિવિધ મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ સત્રમાં મુખ્યત્વે સરકારી કામકાજ, નવા સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણો અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલા આ ફેરફારને પગલે વિધાનસભાના કાર્યક્રમમાં પણ આંશિક બદલાવ આવ્યો છે.

