મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ 26 નવેમ્બરે રાજ્ય સ્વાગત કાર્યક્રમ, નાગરિકો સવારે 8થી 11 વાગ્યા સુધી રજૂઆત કરી શકશે

રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઓનલાઈન નિવારણ માટે દર મહિને યોજાતા ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમનું નવેમ્બર-2026નું આયોજન ગુરુવાર, 26 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં નાગરિકો પોતાની સમસ્યાઓ અને ફરિયાદો સીધી રજૂ કરી શકશે.
સવારે 8થી 11 વાગ્યા સુધી રજૂઆતની તક
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નાગરિકો ગુરુવાર, 26 નવેમ્બરના રોજ સવારે 8થી 11 વાગ્યા દરમિયાન ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ હાજર રહી પોતાની રજૂઆતો નોંધાવી શકશે.
મુખ્યમંત્રી રૂબરૂ સાંભળશે નાગરિકોની ફરિયાદો
કાર્યક્રમના બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે અને નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તથા ફરિયાદો સાંભળશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોનું યોગ્ય સ્તરે નિરાકરણ લાવવાનો અને સરકારી તંત્ર સમક્ષ તેમની સમસ્યાઓનો સીધો ઉકેલ લાવવાનો છે. આ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને મુખ્યમંત્રી સમક્ષ પોતાની રજૂઆત કરવાની તક મળે છે.














