Video: નરોડાના ગોડાઉનમાં થેલામાંથી અચાનક નીકળ્યો ઝેરી કોબ્રા, અડધા કલાકની જહેમત બાદ કર્યું રેસ્ક્યુ

સોર્સ: gstv

શહેરના નરોડા વિસ્તારમાં આવેલા કોટન વેસ્ટ માર્કેટ સ્થિત હેમા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક થેલામાંથી અચાનક ઝેરી કોબ્રા સાપ બહાર આવી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ફૂંફાડા મારતા કોબ્રાને જોઈને ગોડાઉનમાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ એક્સપર્ટ વિજય ડાભીએ સમયસર પહોંચીને અંદાજે 4થી 4.5 ફૂટ લાંબા કોબ્રાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

અડધા કલાકની જહેમત બાદ કોબ્રાનું રેસ્ક્યુ

મળતી માહિતી મુજબ, નરોડાના કોટન વેસ્ટ માર્કેટમાં આવેલા હેમા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક થેલામાંથી અચાનક કોબ્રા સાપ બહાર આવી ગયો હતો. ઝેરી સાપને ફૂંફાડા મારતો જોઈને કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ તાત્કાલિક વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ એક્સપર્ટ વિજય ડાભીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિજય ડાભી સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે આશરે અડધા કલાકની જહેમત બાદ 4થી 4.5 ફૂટ લાંબા કોબ્રાને સુરક્ષિત રીતે પકડી રેસ્ક્યુ કર્યો હતો. આ કામગીરીને પગલે ગોડાઉનમાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જાહેરાત

કોબ્રાનું ઝેર ચેતાતંત્રને અસર કરી શકે છે

વિજય ડાભીના જણાવ્યા અનુસાર, કોબ્રા ભારતના અત્યંત ઝેરી સાપ પૈકીનો એક છે. તેના ઝેરની અસર મુખ્યત્વે ચેતાતંત્ર (Nervous System) પર થાય છે, જેના કારણે વ્યક્તિના જીવન સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

સાપ દેખાય તો જાતે પકડવાનો પ્રયાસ ન કરો

વિજય ડાભીએ લોકોને અપીલ કરી હતી કે કોઈપણ સ્થળે સાપ જોવા મળે તો ગભરાવું નહીં અને તેને જાતે પકડવાનો કે મારવાનો પ્રયાસ પણ કરવો નહીં. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા તાલીમબદ્ધ સાપ રેસ્ક્યુ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાપને મારવાને બદલે તેનું સુરક્ષિત રેસ્ક્યુ કરાવવું જોઈએ. અબોલ જીવોની રક્ષા કરવી એ જ સાચી માનવતા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત