પ્રાકૃતિક ખેતીથી ડાંગના ખેડૂતોની આવકમાં વધારો, ‘શ્રીઅન્ન’ના પુનરુત્થાનમાં ગુજરાતનું નેતૃત્વ

પ્રાકૃતિક ખેતીથી ડાંગના ખેડૂતોની આવકમાં વધારો, ‘શ્રીઅન્ન’ના પુનરુત્થાનમાં ગુજરાતનું નેતૃત્વ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતનો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી ધરાવતો ડાંગ જિલ્લો હવે પરંપરાગત ‘શ્રીઅન્ન’ એટલે કે જાડાં ધાન્યોની ખેતીના પુનરુત્થાનમાં રાજ્યનું નેતૃત્વ કરી રહ્યો છે. આદિવાસી ખેડૂતોની પેઢી દર પેઢીથી ચાલી આવતી ખેતીની સમજણને સરકારી સહાય, આધુનિક તાલીમ અને માર્ગદર્શનનો સાથ મળતાં ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે. નાગલી, સામો, વરી અને કોદરી જેવા પૌષ્ટિક પાકો હવે ડાંગના ખેડૂતો માટે આર્થિક પ્રગતિનું નવું માધ્યમ બની રહ્યા છે.

રાસાયણિક ખાતર વિના શ્રીઅન્નની ખેતી

ડાંગ જિલ્લામાં સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતી અને શ્રીઅન્નના ઉત્પાદનને વેગ મળ્યો છે. અહીંના ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના પૌષ્ટિક ધાન્યોનું ઉત્પાદન કરી રહ્યા છે. બજારમાં આ પાકોની વધતી માગને કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને તેમની પરંપરાગત ખેતીને નવી ઓળખ મળી રહી છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે ‘આત્મા’ પરિયોજના અને પ્રાકૃતિક ખેતી બોર્ડ દ્વારા જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવે છે. સરકારી યોજના હેઠળ દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક રૂ.10,800ની સહાય આપવામાં આવે છે. જ્યારે નોંધણી કરાવનારા ખેડૂતોને રૂ.2,000ની સહાય પણ મળે છે.

જાહેરાત

ખેડૂતો હવે અન્ય ગામોમાં પણ આપે છે તાલીમ

કૃષિ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખેડૂતો જમીનમાં ફાયદાકારક જીવાણુઓની સંખ્યા વધારીને જમીનની ફળદ્રુપતા સુધારી રહ્યા છે. ખાસ વાત એ છે કે તાલીમ મેળવીને પ્રાકૃતિક ખેતી અપનાવનારા કેટલાક ખેડૂતો હવે ‘કોમ્યુનિટી રિસોર્સ પર્સન’ (CRP) તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ આસપાસનાં સાત ગામોના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને તેના ફાયદા અંગે તાલીમ આપી રહ્યા છે.

પરંપરાગત ખેતીથી આત્મનિર્ભરતા તરફ ડાંગના ખેડૂતો

ડાંગના ખેતરોથી લઈને બજારો સુધી શ્રીઅન્નની વધતી પહોંચ આદિવાસી પરિવારોની આજીવિકાને મજબૂત બનાવી રહી છે. પ્રાકૃતિક ખેતી, સરકારી આર્થિક સહાય અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોના માધ્યમથી ખેડૂતો માટે આવકની નવી તકો ઊભી થઈ છે. એક તરફ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણનું જતન થઈ રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. આમ, ડાંગના આદિવાસી ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સદીઓ જૂની કૃષિ પરંપરાને નવજીવન આપવાની સાથે આત્મનિર્ભરતાનું ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત