બારડોલીમાં શ્રમજીવી પરિવારને નહેરમાં ફેંકવાના કેસમાં એક ઝડપાયો, ફરાર આરોપીઓને દબોચવા 8 ટીમો મહારાષ્ટ્ર રવાના

સુરત જિલ્લાના બારડોલીમાં શ્રમજીવી પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. એક જ પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવાના કેસમાં પોલીસે એક આરોપી દયાનંદ ઉર્ફે ખંડ્યા સંભાજી ભડાણેને ઝડપી પાડ્યો છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો રહેવાસી આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, દયાનંદ ઉર્ફે ખંડ્યાએ અન્ય આરોપીઓ સાથે મળીને શ્રમજીવી પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા છે. આ ઘટનામાં પરિવારના 6 સભ્યોને નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે બે બાળકો હજુ લાપતા છે. બીજી તરફ, 13 વર્ષીય કિશોરનો ચમત્કારિક બચાવ થયો હતો.
આરોપીની સઘન પૂછપરછ શરૂ
આરોપી ઝડપાયા બાદ હવે પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટનામાં સામેલ અન્ય મુખ્ય આરોપીઓની ધરપકડ થયા બાદ જ સમગ્ર મામલાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પરિવારને નહેરમાં ફેંકવા પાછળ અંગત અદાવત હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ફરાર આરોપીઓને ઝડપી પાડવા 8 ટીમો મહારાષ્ટ્ર રવાના
બીજી તરફ, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે બારડોલી પોલીસ દ્વારા મહારાષ્ટ્રમાં અલગ-અલગ 8 ટીમો મોકલવામાં આવી છે. જ્યારે નહેરમાં લાપતા બે બાળકોની શોધખોળ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ હૃદયદ્રાવક ઘટનામાં પરિવારને નિશાન બનાવવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા હવે પોલીસ તપાસ પર સૌની નજર છે.











