ગુજરાતમાં નકલી દૂધનો કાળો કારોબાર! 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું

ગુજરાતમાં દૂધના નામે ભેળસેળનો કારોબાર ચિંતાજનક રીતે સામે આવી રહ્યો છે. માત્ર છ મહિનાના સમયગાળામાં રાજ્યમાં 20 હજાર લીટરથી વધુ નકલી અને ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ છે. દૂધમાં કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલ જેવી વસ્તુઓની ભેળસેળ કરવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ખાસ કરીને બાળકો અને પરિવારના સ્વાસ્થ્ય માટે દૂધ મહત્વનું હોવાથી આવી ભેળસેળ ગંભીર ચિંતાનો વિષય બની છે.
દૂધમાં કેમિકલ અને યુરિયાની ભેળસેળ
નકલી દૂધ તૈયાર કરવા માટે સસ્તા પામ ઓઈલ, સોયાબીન તેલ અથવા વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો દાવો છે. આ સામગ્રીને પાણીમાં ભેળવી દૂધ જેવો સફેદ રંગ અને દેખાવ આપવા માટે વોશિંગ પાવડર, લિક્વિડ સોપ અથવા શેમ્પૂ ઉમેરવામાં આવે છે.
દૂધમાં લેક્ટોઝ અને એસએનએફનું પ્રમાણ જાળવવા માટે યુરિયા, ખાંડ અને ગ્લુકોઝ જેવી વસ્તુઓનો ઉપયોગ થતો હોવાની માહિતી છે. જ્યારે પ્રિઝર્વેટિવ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ અથવા ફોર્માલિન જેવા જોખમી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.
ભેળસેળયુક્ત દૂધથી સ્વાસ્થ્ય સામે જોખમ
આ પ્રકારના ભેળસેળયુક્ત દૂધના સેવનથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા રહે છે. દૂધમાં ભેળવવામાં આવતા વિવિધ રસાયણો અને અન્ય પદાર્થો શરીર માટે નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને બાળકો અને નવજાત શિશુઓ માટે દૂધ પોષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત હોવાથી ભેળસેળ ગંભીર ચિંતાનો વિષય છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ, આવી ભેળસેળના સેવનથી પોઈઝનિંગ, લિવર અને કિડનીને નુકસાન, હૃદય સંબંધિત સમસ્યાઓ, બ્લડ પ્રેશર સહિતની બીમારીઓનું જોખમ ઊભું થઈ શકે છે. લાંબા સમય સુધી હાનિકારક પદાર્થોના સેવનથી અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
કાયદો કડક છતાં ભેળસેળ કરનારાઓને ડર કેમ નથી?
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા માટે દેશમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમો અને સજાની જોગવાઈ હોવા છતાં ભેળસેળના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
નબળી તપાસ, ઓછા પ્રમાણમાં લેવામાં આવતા નમૂનાઓ અને કાયદાકીય પ્રક્રિયામાં રહેલી છટકબારીઓને કારણે ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી અસરકારક રીતે થઈ રહી છે કે નહીં તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. સમયસર અને નિયમિત તપાસ થાય તો આવા કાળા કારોબાર પર નિયંત્રણ લાવી શકાય તેવી જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે.
દૂધની શુદ્ધતા અંગે ગ્રાહકોમાં ચિંતા
એક તરફ દૂધને સંપૂર્ણ પોષણયુક્ત ખોરાક તરીકે જોવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેમાં થતી ભેળસેળ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહી છે. છ મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી દૂધ ઝડપાવાની માહિતી બાદ દૂધની ગુણવત્તા અને બજારમાં થઈ રહેલી તપાસ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

