ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી; 24 સપ્ટેમ્બર સુધી આ જિલ્લાઓમાં એલર્ટ

અમદાવાદ સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અરબી સમુદ્રથી દક્ષિણ ઉત્તર પ્રદેશ સુધી ડીપ ટ્રફ સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે હવે ડીપ ટ્રફ લેશમાર્ક થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું જણાવાયું છે.
છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે યેલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. યેલો એલર્ટના માપદંડ મુજબ કેટલાક વિસ્તારોમાં આશરે 7થી 11 સેન્ટિમીટર સુધી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી રહી છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
દરમિયાન ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં આશરે 8 ટકા ઓછો નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં 23 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઘટી હોવા છતાં યેલો અને ઓરેન્જ અલર્ટ ધરાવતા જિલ્લાઓમાં તંત્ર અને લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

