અમદાવાદ મનપામાં બહારની એજન્સીઓને ઊંચા ભાવે કામ આપવાની પ્રથા પર બ્રેક, હવે એમ્પેનલ એજન્સીઓને જ મળશે કામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઇજનેર વિભાગમાં રોડ, બ્રિજ અને બિલ્ડિંગનાં વિકાસકાર્યો માટે બહારની એજન્સીઓને ઊંચા ભાવે કામ સોંપવાની પદ્ધતિ પર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ નિયંત્રણ મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે સામાન્ય સંજોગોમાં કોર્પોરેશન દ્વારા એમ્પેનલ (Empanelled) કરવામાં આવેલી એજન્સીઓને જ કામ સોંપવાની સૂચના આપવામાં આવી છે. જો એમ્પેનલમાં સામેલ ન હોય તેવી એજન્સીને કામ આપવું હોય તો તેના યોગ્ય કારણો રજૂ કરીને સંબંધિત કમિટીની પૂર્વમંજૂરી લેવી ફરજિયાત રહેશે.
એમ્પેનલ બહારની એજન્સીઓને કામ આપવા પર નિયંત્રણ
અમદાવાદ મનપાના ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં વિવિધ રોડ, બ્રિજ અને બિલ્ડિંગનાં વિકાસકાર્યો કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન તૈયાર કરાવવા ડિઝાઇન કન્સલ્ટન્ટ, કામની ગુણવત્તા અને કામગીરીની તપાસ માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (TPI) તેમજ પ્રોજેક્ટના સંચાલન અને દેખરેખ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC)ની સેવાઓ લેવામાં આવે છે. આ ત્રણેય સેવાઓ માટે કોર્પોરેશન દ્વારા અગાઉથી એજન્સીઓનું એમ્પેનલમેન્ટ કરવામાં આવે છે. જોકે, એમ્પેનલમાં સામેલ ન હોય તેવી એજન્સીઓને પણ કામ સોંપવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આવી એજન્સીઓને ઊંચા ભાવે કામ આપવામાં આવતું હોવાની બાબત સામે આવતાં હવે કમિટીએ આ પદ્ધતિ પર અંકુશ મૂક્યો છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, એમ્પેનલ બહારની કોઈ એજન્સીને કામ આપવાની જરૂર પડે તો યોગ્ય કારણો સાથે દરખાસ્ત સંબંધિત કમિટી સમક્ષ રજૂ કરવી પડશે. આવી મંજૂરી પણ માત્ર ખાસ સંજોગોમાં જ આપવામાં આવશે.
બહારની એજન્સીઓનો ખર્ચ ઘટાડવા ડિઝાઇન સેલ બનશે
બીજી તરફ, અમદાવાદ મનપામાં પોતાનું ડિઝાઇન યુનિટ અથવા ડિઝાઇન સેલ (Design Cell) બનાવવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. હાલમાં વિવિધ વિકાસકાર્યો માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ, TPI અને PMCની સેવાઓ બહારની એજન્સીઓ પાસેથી લેવામાં આવે છે. તેના માટે કોર્પોરેશનને લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જો મનપામાં જ નિષ્ણાતોની ટીમ તૈયાર કરીને આ કામગીરી ઇનહાઉસ (In-house) કરવામાં આવે તો બહારની એજન્સીઓ પરની નિર્ભરતા ઘટાડી શકાશે અને નાણાંની બચત પણ થશે.
વિકાસકાર્યોની ગુણવત્તા અને જવાબદારી પર ભાર
કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, કોર્પોરેશનમાં જ ડિઝાઇન સેલ બનાવવાથી વિકાસકાર્યોની ગુણવત્તામાં સુધારો થશે. સાથે જ કામની દેખરેખ અને અમલીકરણ માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી શકાશે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ડિઝાઇન સેલ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે.







