અમદાવાદમાં સોની વેપારી સાથે રૂ.48.60 લાખની છેતરપિંડી, દાગીના લઈ દુકાન બંધ કરી આરોપીઓ ફરાર

અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી સાથે રૂ.48.60 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવા વાડજમાં દુકાન ધરાવતા ત્રણ શખ્સોએ વેપારીનો વિશ્વાસ જીતીને કુલ 486.27 ગ્રામ સોનાના દાગીના મેળવી લીધા હતા. ત્યારબાદ સોનાના બિસ્કિટ આપવાનું વચન આપીને ત્રણેય આરોપીઓ દુકાનને તાળું મારી ફરાર થઈ ગયા હતા. આ મામલે વેપારીએ ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શરૂઆતમાં નિયમિત વ્યવહાર કરીને વિશ્વાસ જીત્યો
મણિનગરમાં રહેતા અને કાલુપુરમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરતા ફરિયાદીને દાગીનામાં જડતર કામ કરાવવા માટે કારીગરની જરૂર હતી. આથી તેમના મેનેજરે નવા વાડજમાં દુકાન ધરાવતા ત્રણ વ્યક્તિઓનો સંપર્ક કરાવ્યો હતો. શરૂઆતમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી સોનાની વીંટીઓ અને અન્ય દાગીના તૈયાર કરાવ્યા હતા. તેના બદલામાં 24 કેરેટ સોનાના બિસ્કિટ આપીને વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. વેપારીએ લાંબા ગાળાના વ્યવસાય માટે કરાર કરવાની વાત કરી હતી, પરંતુ આરોપીઓએ વિશ્વાસની વાતો કરીને કરાર કરવાનું ટાળ્યું હતું.
મોટો ઓર્ડર આપીને લાખોનું સોનું મેળવ્યું
ત્યારબાદ 14 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીઓએ સોનાના દાગીનાના 12 સેટનો મોટો ઓર્ડર આપ્યો હતો. વેપારીએ વિશ્વાસ રાખીને 23 ડિસેમ્બરે પોતાના કારીગર સાથે 332.350 ગ્રામ વજનના છ સેટ આરોપીઓની દુકાને પહોંચાડ્યા હતા. ત્યાં હાજર મહિલાએ કાચી રસીદ આપી હતી અને બીજા દિવસે સોનાના બિસ્કિટ આપવાનું વચન આપ્યું હતું. એ જ દિવસે રાત્રે આરોપીઓ પૈકીનો એક શખ્સ કાલુપુરની દુકાને પહોંચ્યો હતો અને પેન્ડલ, મંગળસૂત્ર, કાનની સેર સહિત વધુ 143.92 ગ્રામ સોનાના દાગીના લઈ ગયો હતો.
ફોન બંધ કરી દુકાનને તાળું મારી દીધું
આ રીતે અગાઉના બાકી હિસાબ સહિત કુલ 486.27 ગ્રામ સોનાના દાગીના આરોપીઓએ મેળવી લીધા હતા, જેની બજાર કિંમત અંદાજે રૂ.48.60 લાખ થાય છે. 24 ડિસેમ્બરે વેપારીએ પેમેન્ટ અને સોનાના બિસ્કિટ અંગે ફોન કરતાં આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તપાસ કરતાં આરોપીઓ પોતાની દુકાન બંધ કરીને ફરાર થઈ ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. લાંબા સમય સુધી આરોપીઓ તરફથી કોઈ જવાબ ન મળતાં આખરે વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







