જળ જીવન મિશનના દાવા સામે મોટો સવાલ: ગુજરાતમાં 3 વર્ષમાં હેન્ડપંપ બંધની 1.34 લાખથી વધુ ફરિયાદો

ગુજરાત સરકાર દ્વારા દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે ‘જળ જીવન મિશન’ (Jal Jeevan Mission) હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જોકે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી સામે આવેલા ફરિયાદોના આંકડા યોજનાના અમલીકરણ સામે સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી પુરવઠા વિભાગને 1.51 લાખથી વધુ ફરિયાદો મળી છે.
1.34 લાખથી વધુ ફરિયાદો બંધ હેન્ડપંપની
પાણી પુરવઠા વિભાગની હેલ્પલાઈન પર નોંધાયેલી ફરિયાદોમાં સૌથી મોટો હિસ્સો બંધ પડેલા હેન્ડપંપ (Hand Pump) અંગેનો છે. કેગના અહેવાલ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં મળેલી કુલ ફરિયાદોમાંથી 1.34 લાખથી વધુ ફરિયાદો માત્ર હેન્ડપંપ બંધ હોવાની છે. ગામડાંમાં પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઉપયોગમાં લેવાતા હેન્ડપંપ યોગ્ય જાળવણીના અભાવે બંધ પડ્યા હોવાની ફરિયાદો સામે આવી છે.
આ ઉપરાંત 17 હજારથી વધુ ફરિયાદો એવી પણ નોંધાઈ છે, જેમાં ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે.
7 દિવસમાં ફરિયાદ ઉકેલવાનો નિયમ, છતાં 6 મહિના સુધી રાહ
સરકાર દ્વારા પાણી સંબંધિત ફરિયાદોનો નિકાલ મહત્તમ સાત દિવસમાં કરવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. જોકે, વાસ્તવિક સ્થિતિમાં ફરિયાદોના નિરાકરણમાં 30 દિવસથી લઈને છ મહિના સુધીનો સમય લાગી રહ્યો હોવાનો અહેવાલ છે.
ફરિયાદ નોંધાવ્યા બાદ સમયસર કાર્યવાહી ન થવાથી ગ્રામજનોને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે જલ જીવન મિશન હેઠળ ઘેર-ઘેર પાણી પહોંચાડવાના સરકારી દાવાઓના જમીની અમલીકરણ અંગે સવાલો ઊભા થયા છે.75 ટકા ગ્રામજનોને 1916 હેલ્પલાઈનની જાણકારી જ નથી
પાણીની સમસ્યા અંગે ફરિયાદ નોંધાવવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1916 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરની માહિતી ગ્રામ પંચાયત, આંગણવાડી અને અન્ય જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
પરંતુ તાજેતરમાં થયેલા સરકારી સર્વેમાં સામે આવ્યું છે કે આશરે 75 ટકા ગ્રામજનોને 1916 હેલ્પલાઈન અંગે કોઈ જાણકારી જ નથી. એટલે કે, ફરિયાદ નોંધાવવા માટેની વ્યવસ્થા હોવા છતાં મોટી સંખ્યામાં લોકોને તેના વિશે માહિતી ન હોવાથી તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી.
યોજના સામે હવે જમીની અમલીકરણનો સવાલ
એક તરફ સરકાર દ્વારા જલ જીવન મિશન મારફતે દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના પ્રયાસો અને ખર્ચની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં બંધ હેન્ડપંપ, પાણીનો અપૂરતો પુરવઠો અને ફરિયાદોના નિરાકરણમાં થઈ રહેલા વિલંબના આંકડા સામે આવ્યા છે. આવી સ્થિતિમાં યોજનાનો લાભ ખરેખર કેટલો અને કેટલી ઝડપથી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.

