ગુજરાત સરકારનો મોટો નિર્ણય; ધોરણ 6 થી 12ની 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન

રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન શારીરિક સ્વચ્છતા જાળવવાના હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓ માટે 46.68 કરોડ રૂપિયાના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ યોજનાની મંજૂરી આપવામાં આવી છે.
દર મહિને વિનામૂલ્યે મળશે ઓક્સો-બાયોડિગ્રેડેબલ નેપકીન
આ યોજના હેઠળ સરકારી શાળાની દરેક દીકરી દીઠ વાર્ષિક 360ની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓને પ્રતિમાસ 30 લેખે ઉચ્ચ ગુણવત્તાયુક્ત 'ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન' વિનામૂલ્યે આપવામાં આવશે. દીકરીઓ કોઈ પણ જાતના સંકોચ કે શરમ વિના આરામદાયક વાતાવરણમાં સેનેટરી પેડ મેળવી શકે તે માટે દરેક શાળામાં વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે.
શાળાઓમાં 'નોડલ મહિલા શિક્ષક'ની નિમણૂક કરાશે
યોજનાના યોગ્ય અમલીકરણ અને વિતરણની દેખરેખ માટે શાળાના જ મહિલા શિક્ષકને 'નોડલ શિક્ષક' તરીકેની મુખ્ય જવાબદારી સોંપવામાં આવશે. નોડલ શિક્ષક કન્યાઓને માસિક ધર્મ અને શારીરિક સ્વચ્છતા અંગે સાચી માહિતી આપશે, જેથી તેમના મનમાંથી ભય અને ગેરમાન્યતાઓ દૂર થાય. મુક્તપણે ચર્ચા થઈ શકવાના કારણે દીકરીઓનો શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ વધશે અને ગ્રામીણ વિસ્તારોમાં માસિક ધર્મ દરમિયાન શાળામાં રહેતી ગેરહાજરીનું પ્રમાણ ઘટશે.
પર્યાવરણ અને કચરા નિકાલ માટે કડક નિયમો
વપરાયેલા સેનેટરી નેપકીનના સલામત નિકાલ માટે શિક્ષણ વિભાગે 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016' મુજબ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે.
•વપરાયેલા પેડ્સને કાગળમાં લપેટીને ભીના-સૂકા કચરાથી અલગ રાખવાના રહેશે. તેને ખુલ્લામાં કે ટોયલેટ ડ્રેનેજમાં ન ફેંકતા સ્થાનિક કચરા સંગ્રહ વ્યવસ્થાને સોંપવાના રહેશે.
•શાળાઓમાં ઉપલબ્ધ ઇન્સિનીરેટર (સેનેટરી પેડ બાળવાની ભઠ્ઠી) મશીન ચાલુ સ્થિતિમાં રહે અને તેની સમયાંતરે યોગ્ય સર્વિસ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ગુજરાત સરકારની આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરનો આર્થિક બોજ હળવો થશે, તેમજ અસ્વચ્છ કાપડના વપરાશથી થતા ગંભીર ચેપ અને રોગો સામે દીકરીઓને સુરક્ષા મળશે.

