મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખનું દેવું માફ, જ્યારે ગુજરાત સરકારે માત્ર 2% વ્યાજ રાહત આપતાં ધરતીપુત્રોમાં ભારે આક્રોશ

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખનું દેવું માફ, જ્યારે ગુજરાત સરકારે માત્ર 2% વ્યાજ રાહત આપતાં ધરતીપુત્રોમાં ભારે આક્રોશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લઈને આશરે 4.15 લાખ ખેડૂતોનું રૂ. 2 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કર્યું છે, જેના કારણે ગુજરાત સરકાર સામે મોટો સવાલ ઉભો થયો છે. મહારાષ્ટ્રના આ પગલાથી ગુજરાત સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કારણ કે ગુજરાતમાં સરકારે ખેડૂતોને માત્ર 2 ટકા વ્યાજ રાહત આપીને સંતોષ માનવા મજબૂર કર્યા છે.

રાજ્યમાં ઓછા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ડેમોના જળસ્તર નીચે ઉતરી ગયા છે, જેનાથી સિંચાઈના પાણી વિના રવિ સિઝન સામે મોટું સંકટ સર્જાયું છે. ખાતરના વધેલા ભાવોને કારણે ખેતી અત્યંત મોંઘી બની છે અને દુષ્કાળ તથા દેવામાફીના આ સળગતા પ્રશ્ને ગુજરાત સરકાર મૂંઝવણમાં પડી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ચારેય જિલ્લાઓમાં જ દુષ્કાળ જાહેર કરાતા અન્ય વિસ્તારોમાં અસંતોષ

રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર એમ માત્ર ચાર જિલ્લાઓમાં જ દુષ્કાળ જાહેર કરીને સંતોષ માની લીધો છે, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ છે. રાજકોટ, વાવ, થરા, જૂનાગઢ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારોના કેટલાક તાલુકાઓમાં 55 ટકાથી લઈને 70 ટકા સુધી વરસાદની ભારે અછત નોંધાઈ હોવા છતાં આ સુકાભઠ્ઠ વિસ્તારોને હજુ સુધી દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી.

બનાસકાંઠા સહિતના આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક દુકાળ જાહેર કરવાની માંગ પ્રબળ બની છે, જેને કારણે સરકાર માટે 'ગળે હાડકું ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમૃદ્ધ ગણાતા ગુજરાતના ખેડૂતો હવે ખુલ્લેઆમ સવાલ પૂછી રહ્યા છે કે જો મહારાષ્ટ્ર સરકાર લાખો ખેડૂતોના દેવા માફ કરી શકતી હોય, તો ગુજરાત સરકાર ખેડૂતોની વહારે કેમ નથી આવતી? ઉદ્યોગપતિઓને કરોડોની સબસિડી આપતી સરકાર ખેડૂતોને રાહત સહાય આપવામાં કંજૂસાઈ દાખવી રહી છે.

ખેડૂતોનું અલ્ટીમેટમ અને આંદોલનની ચીમકી

ગુજરાતના ખેડૂત સંગઠનો અને સ્થાનિક આગેવાનોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. જો સરકાર ચાલુ અછતની સ્થિતિ અને પાક ધિરાણ માફી અંગે દિવાળી સુધીમાં ફેરવિચારણા કરીને યોગ્ય નિર્ણય નહીં લે, તો આગામી 12 નવેમ્બરથી દેવભૂમિ દ્વારકાથી ઉગ્ર લડતના મંડાણ કરવામાં આવશે. ખેડૂતો હવે આરપારના મૂડમાં છે અને બનાસકાંઠાના ખેડૂતોએ પણ સરકારને 30 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપીને ચેતવણી આપી છે કે જો વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરવામાં આવે તો આંદોલન નિશ્ચિત છે.

ખેડૂતોની લાચારીની મજાક: હેક્ટર દીઠ 15 હજારના ખર્ચ સામે માત્ર 8500નું વળતર

કુદરતી આફતનો સામનો કરી રહેલા ખેડૂતો પર સરકારી વળતરની જાહેરાતે 'પડતા પર પાટુ' માર્યું છે. એક હેક્ટર ખેતી પાછળ ડીઝલ, બિયારણ, મોંઘા ખાતર, દવા અને મજૂરીનો સરેરાશ વાસ્તવિક ખર્ચ રૂ. 15,000થી વધુ થાય છે, ત્યારે સરકાર દ્વારા નુકસાનીના વળતર પેટે માત્ર રૂ. 8500 આપવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ખેડૂતો આ સહાયને મદદ નહીં પરંતુ પોતાની લાચારીની મજાક ગણાવી રહ્યા છે.

હાલ બજારમાં એનપીકે (NPK) ખાતરની એક થેલીની કિંમત જ રૂ. 2450 પર પહોંચી ગઈ છે અને ડીઝલ તથા મજૂરીના આસમાને આંબતા ભાવ સામે સરકારી અંદાજ ખૂબ જ ઓછો છે. પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોય ત્યારે માત્ર રૂ. 8500 જેવી નજીવી રકમ આપીને સરકાર પોતે 'ખેડૂતોના મસિહા' હોવાનો દાવો કરી રહી છે, જે વાસ્તવિકતાથી તદ્દન વેગળો છે.

આ સમાચાર શેર કરો