મહારાષ્ટ્રમાં નાણામંત્રાલય મુદ્દે ઘમાસાન: સુનેત્રા પવારે સીએમ ફડણવીસ સાથે કરી મુલાકાત, NCPએ કરી ખાતું પરત કરવાની માંગ

મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં મંત્રાલયોની ફાળવણીને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સત્તારૂઢ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે નાયબ મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સુનેત્રા પવારના નેતૃત્વમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે યોજાયેલી આ બેઠકમાં NCP દ્વારા નાણામંત્રાલય પાછું સોંપવાની આક્રમક માંગ કરવામાં આવી છે.
અજિત પવારના નિધન બાદ ફડણવીસે પોતાના હસ્તક લીધું હતું ખાતું
અજિત પવારના અકાળે નિધન બાદ રાજ્યનું બજેટ સત્ર નજીક હોવાથી અને બજેટ રજૂ કરવાનું હોવાને કારણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાણામંત્રાલયનો હવાલો પોતાની પાસે રાખી લીધો હતો. જોકે, સુનેત્રા પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદથી જ NCP આ મહત્ત્વપૂર્ણ વિભાગ પોતાના ક્વોટામાં પાછો લેવા માટે દબાણ કરી રહી છે.
ફડણવીસનું સકારાત્મક વલણ, શિયાળુ સત્ર પહેલાં નિર્ણાયક વળાંકની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે NCP પ્રતિનિધિમંડળની માંગણી પર સકારાત્મક વલણ દાખવ્યું છે. NCPના વરિષ્ઠ નેતા અને મંત્રી છગન ભુજબળે આ અંગે ભરોસો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દુષ્કાળ સામે લડવા માટે જરૂરી ભંડોળ અને નાણાકીય વ્યવસ્થા પૂર્ણ થયા બાદ, વિધાનસભાના શિયાળુ સત્ર પહેલાં જ નાણામંત્રાલય NCPને પરત સોંપી દેવામાં આવી શકે છે.
નાણામંત્રાલય જેવા સૌથી પાવરફુલ વિભાગને લઈને સુનેત્રા પવારની સક્રિયતાથી મહારાષ્ટ્ર સરકારમાં સત્તા સંતુલનને લઈને ફરી રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે.









