અમિત શાહ પર ટિપ્પણીના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર

ઉત્તર પ્રદેશના સુલતાનપુરની MP/MLA કોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગેની ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા. નિર્ણય બાદ કોર્ટ પરિસરની બહાર કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી હતી. આ કેસ વર્ષ 2018માં રાહુલ ગાંધીએ કરેલી એક ટિપ્પણી સાથે સંબંધિત છે. તે સમયે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. સુલતાનપુરની કોર્ટમાં વધારાના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ ચુકાદો સંભળાવ્યો હતો. અહેવાલ અનુસાર, કોર્ટે રાહુલ ગાંધીની ટિપ્પણીને માનહાનિકારક ગણાવી નહોતી.
શું હતો રાહુલ ગાંધી સામેનો આરોપ?
ભાજપના નેતા વિજય મિશ્રાએ વર્ષ 2018માં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ, રાહુલ ગાંધીએ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં ભાજપના તત્કાલીન અધ્યક્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભાજપના અધ્યક્ષ હત્યાના આરોપી છે. ફરિયાદીનો દાવો હતો કે આ નિવેદનથી અમિત શાહની છબીને નુકસાન પહોંચ્યું હતું અને તે માનહાનિકારક હતું. બીજી તરફ, રાહુલ ગાંધીએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા. તેમનું કહેવું હતું કે તેમના નિવેદનને સંદર્ભથી અલગ કરીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે ફરિયાદને રાજકીય પ્રેરિત ગણાવી હતી. તેમના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ પણ કેસને નિરાધાર ગણાવી તેને રદ કરવાની માગ કરી હતી.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો હતો સંદર્ભ
રાહુલ ગાંધીની આ ટિપ્પણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના સંદર્ભમાં કરવામાં આવી હતી. આ કેસમાં અમિત શાહને વર્ષ 2014માં મુંબઈની વિશેષ CBI અદાલતે આરોપોમાંથી મુક્ત કર્યા હતા. ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીના નિવેદનથી અમિત શાહની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. જોકે, રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે તેમના નિવેદનનો મૂળ સંદર્ભ ધ્યાનમાં લેવામાં આવ્યો નથી.
કોર્ટમાં હાજરી આપવા જતાં પહેલાં કાફલાની ગાડીઓ અથડાઈ
સુલતાનપુરમાં કોર્ટમાં હાજર થવા જતાં પહેલાં સોમવારે સવારે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની પાછળ ચાલી રહેલી કેટલીક ગાડીઓ વચ્ચે અકસ્માત થયો હતો. અહેવાલ અનુસાર, લખનઉથી રાહુલ ગાંધીના કાફલાની પાછળ આવી રહેલી ચાર ખાનગી ગાડીઓમાંથી એકના ચાલકે અચાનક બ્રેક લગાવતાં ગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે રાહુલ ગાંધી સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનાની જાણ સુલતાનપુરના પોલીસ અધિક્ષકે કરી હતી.








