મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'જી-સફલ' યોજના અચાનક બંધ! 36 કર્મચારીઓ બેરોજગાર, 2500 લાભાર્થીઓના સપના અધૂરા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારની ‘જી-સફ

'જી-સફલ' યોજના અચાનક બંધ! 36 કર્મચારીઓ બેરોજગાર, 2500 લાભાર્થીઓના સપના અધૂરા
આ સમાચાર સાંભળો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારની ‘જી-સફલ’ યોજના અચાનક બંધ કરી દેવાતા 36થી વધુ કર્મચારીઓ એકઝાટકે બેરોજગાર બન્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. માત્ર 17 મહિનાની કામગીરી બાદ પાંચ વર્ષના આ પ્રોજેક્ટને બંધ કરી દેવાતાં અંદાજે 2500 જેટલા લાભાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે. રોજગારી ગુમાવનારા કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને આવેદનપત્ર આપી યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે.

ગામેગામ જઈને ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરતા

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં જી-સફલ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓ ગામેગામ જઈને ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરતા હતા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટેની દરખાસ્તો તૈયાર કરતા હતા. આ તમામ અરજીઓ તાલુકા પંચાયતની ‘મિશન મંગલમ’ શાખામાં જમા કરાવવામાં આવતી હતી.

પાંચ વર્ષની યોજનાનું 17 મહિનામાં ફીંડલું

કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ યોજના પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ માત્ર મહિનાની કામગીરી બાદ કોઈ પૂર્વ સૂચના વિના જ યોજના બંધ કરી દેવામાં આવી. તેના કારણે એકસાથે 36 થી 38 જેટલા કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. બીજી તરફ, યોજના હેઠળ અરજી કરનાર અંદાજે 2500 જેટલા લાભાર્થીઓને હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી.

કર્મચારીઓ અને લાભાર્થીઓ બંને મુશ્કેલીમાં મુકાયા

યોજના બંધ થઈ ગયા પછી પણ લાભની આશા રાખતા ગ્રામજનો કર્મચારીઓનો સંપર્ક કરીને માહિતી તથા લાભ અંગે પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ યોજના જ બંધ થઈ ગઈ હોવાથી કર્મચારીઓ પાસે પણ કોઈ સંતોષકારક જવાબ નથી. પરિણામે કર્મચારીઓ અને લાભાર્થીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે કર્મચારીઓએ નસવાડી તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવીને યોજના બંધ કરવા પાછળનું કારણ જાહેર કરવા તેમજ કર્મચારીઓને પુનઃ રોજગારી આપવાની માંગ કરી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે પણ આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી.

પીડિત કર્મચારીએ કહ્યું કે "અમને કોઈ પૂર્વ જાણ કર્યા વગર જ યોજના બંધ કરી દેવામાં આવી છે. અમે 17 મહિના સુધી ગામડાઓમાં જઈને પ્રમાણિકતાથી કામગીરી કરી, પરંતુ હવે અમારી રોજગારી પણ છીનવાઈ ગઈ છે અને લાભાર્થીઓને પણ કોઈ લાભ મળ્યો નથી. સરકાર અમારી રજૂઆત સાંભળીને યોગ્ય ન્યાય આપે તેવી અમારી માંગ છે."

આ ઘટનાએ સરકારની કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ સામે સવાલો ઊભા કર્યા છે. આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારો માટે બનાવેલી યોજના અધવચ્ચે જ બંધ થઈ જતાં તેનો ભોગ લાભાર્થીઓ અને કર્મચારીઓ બંને બન્યા છે. હવે કર્મચારીઓ અને ગ્રામજનોની નજર તંત્ર તથા રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે.

આ સમાચાર શેર કરો