બોનમેરો ટ્રાન્સપ્લાન્ટથી લઈને અન્ય કેન્સર સુધી: મુખ્યમંત્રી રાહત ભંડોળ બન્યું 2000થી વધુ પરિવારોનો આધાર
ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના એવા દર્દીઓ કે જેઓ મોંઘી અને જટિલ બીમારીઓની સારવારનો ખર્ચ ઉઠાવ
ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના એવા દર્દીઓ કે જેઓ મોંઘી અને જટિલ બીમારીઓની સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેમના માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund - CMRF) એક જીવાદોરી સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારીમાં આ ભંડોળ હજારો પરિવારો માટે આર્થિક ટેકારૂપ બન્યું છે.
તાજેતરના આંકડા મુજબ, છેલ્લા ચાર વર્ષ, એટલે કે 2021 થી 2025 દરમિયાન, મુખ્યમંત્રી રાહત ભંડોળે કેન્સરના 2000થી વધુ દર્દીઓને નવજીવન આપ્યું છે.
₹31.55 કરોડથી વધુની આર્થિક સહાય
આ આંકડા દર્શાવે છે કે, 2021 થી 2025ના સમયગાળા દરમિયાન રાજ્યના 2106 કેન્સરના દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી વધુની જંગી આર્થિક સહાય ચુકવવામાં આવી છે. આ સહાય દર્દીઓને જીવન બચાવવા માટે જરૂરી મોંઘી સારવાર વિના અવરોધે પૂરી પાડવામાં મદદરૂપ થઈ છે.
કયા કેસમાં મળી સહાય?
મુખ્યમંત્રી રાહત ભંડોળ એવા ગંભીર કેસોમાં મોટો આધાર બન્યું છે, જ્યાં સારવારનો ખર્ચ સામાન્ય માણસની પહોંચ બહાર હોય છે:
-
બ્લડ કેન્સરના કેસ: બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસમાં આ ભંડોળમાંથી સહાય આપવામાં આવી છે.
-
અન્ય કેન્સરના કેસ: બ્લડ કેન્સર સિવાયના અન્ય પ્રકારના 1656 કેન્સરના દર્દીઓને પણ આ યોજનાનો સહારો મળ્યો છે.
માત્ર કેન્સર જ નહીં, અન્ય જટિલ સારવારમાં પણ ટેકો
મુખ્યમંત્રી રાહત ભંડોળ માત્ર કેન્સરની સારવાર પૂરતું સીમિત નથી. લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી અન્ય મોંઘી અને જીવનરક્ષક સારવારમાં પણ આ ભંડોળ આર્થિક ટેકારૂપ બને છે.
આ યોજના રાજ્ય સરકારની આરોગ્યલક્ષી પ્રતિબદ્ધતા દર્શાવે છે કે, નાણાંના અભાવે કોઈ પણ નાગરિકને ગંભીર બીમારીની સારવારથી વંચિત રહેવું ન પડે.








