મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ 9 ડિગ્રી તાપમાનથી ઠુંઠવાયું, ઠંડા પવનોથી જનજીવનને અસર 

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત સહિત ચરોતરમાં છેલ્લા બે દિવસથી ઠંડી

આણંદ 9 ડિગ્રી તાપમાનથી ઠુંઠવાયું, ઠંડા પવનોથી જનજીવનને અસર 

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત સહિત ચરોતરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો દોર શરૂ થયો છે.જેના કારણે બર્ફીલા પવનોનું જોર વધતાં બુધવાર સવારે 3.5 ડિગ્રી પારો ઘટતાં રાજ્યમાં નલિયા,રાજકોટ બાદ ચરોતરમાં લઘુતમ પારો 9 ડિગ્રી પહોંચતાં મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. વેર્સ્ટન ડિસ્ટર્બન્સના પગલે ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાથી બે દિવસ મેદાની પ્રદેશમાં ઠંડા પવનો ફુંકાઇ રહ્યાં છે. જેના કારણે ચરોતરમાં બે દિવસમાં પારો 6 ડિગ્રી ઘટ્યો છે. મંગળવાર મોડી રાતથી ઠંડા પવનોનું જોર વધતાં સવારે 3.5 ડિગ્રી તાપમાન ઘટીને પારો 9 ડિગ્રી પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં MD ડ્રગ્સ સાથે ઝડપાયેલાને આકરી સજા, બે આરોપીને કોર્ટે ફટકારી 15 વર્ષની સજા

લઘુત્તમ પારો નીચે ગયો

હાલમાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડા ઉત્તરીય પવનોનું જોર વધ્યું છે. જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી ત્રણ દિવસ પારો 10 ડિગ્રી આસપાસ કે તેથી નીચે રહેવાની સંભાવના છે. ત્યારબાદ ધીમે ધીમે ઠંડી ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડીનું જોર સામાન્ય રહેશે. ચરોતરમાં વૃક્ષો વધુ હોવાથી અને હાલમાં ખેતરોમાં પિયતના પાણી લીધા હોવાથી ઠંડા પવનો તેના પરથી પસાર થતાં હોવાથી રાજ્યના અન્ય જિલ્લા કરતાં લઘુત્તમ પારો નીચો ગયો છે. બે ત્રણ દિવસ તેની અસર રહેશે.

ઘરમાં ફર્શ પર પગ મૂકવો અઘરો બન્યો

આણંદ નડિયાદ સહિત ચરોતરમાં વહેલી સવારથી પારો 9 ડિગ્રી ગગડી જતાં તેની સીધી અસર પાણી પર જોવા મળી હતી. જેમાં મકાનો પર આવેલી ટાંકીના પાણી ફ્રિજના પાણી જેટલા ઠંડા થઇ ગયા હતા. ઘરોમાં ફર્શ પણ ઠંડીગાર થતાં લોકોને ઠંડી બચવા માટે મોજા પહેરીને ફરવાનો વખત આવ્યો હતો.

આ સમાચાર શેર કરો