ભરૂચ : પોલીસ હેડ કવાટર્સના કોન્સ્ટેબલ સાથે KYCના નામે 5.99 લાખની છેતરપિંડી
સાયબર માફિયાઓ હવે સામાન્ય જનતા સાથે પોલીસકર્મીઓને પણ શિકાર બનાવી રહ્યા છે. ભરૂચમાં પોલીસ હેડ કવાટર્સમ

સાયબર માફિયાઓ હવે સામાન્ય જનતા સાથે પોલીસકર્મીઓને પણ શિકાર બનાવી રહ્યા છે. ભરૂચમાં પોલીસ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે KYCના નામે 5.99 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકવનારી ઘટના ઘટી છે.
ઠગે કોલ કર્યો : KYC અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે
ભરૂચ તાલુકાના ઓસારા ગામના યોગેશભાઈ ઠાકોર પોલીસ હેડ કવાટર્સમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર એક્સિસ બેંકના કર્મચારી બોલું છું તેવો હિંદીભાષી વ્યક્તિનો કોલ આવ્યો હતો. એક્સિસ બેંકના સેલેરી એકાઉન્ટનું KYC અપડેટ નહીં કરો તો એકાઉન્ટ બંધ થઈ જશે. ફરીથી ચાલુ કરાવવા 1600 રૂપિયા ચાર્જ લાગશે તેમ જણાવાયું હતું.
વોટ્સએપમાં લિંક આવતા ડોક્યુમેન્ટ મોકલ્યાં હતા
કોન્સ્ટેબલે KYC અપડેટ કરવાની તૈયારી બતાવી હતી, જે બાદ વોટ્સએપ નંબરથી લિંક મોકલતા પોલીસકર્મીએ પોતાના આધાર, પાન સાથે ડેબિટ કાર્ડની ડિટેઇલ આપી હતી. ત્યારબાદ વિડીયો કોલિંગ આવતા તેમાં બેંક પાસબુક અને ઇમેઈલ આઈડી માંગતા કોન્સ્ટેબલ યોગેશભાઈને શંકા ગઈ હતી. જેથી તેઓ કોલ કાપી તમામ નંબરો બ્લોક કરી ઘરેથી કોલેજ રોડ પર આવેલ એક્સિસ બેંકની બ્રાન્ચ પર પોહચ્યા હતા, જ્યાં તેમને બેંક દ્વારા કોઈ કોલ ન કરાયો હોવાની હકીકત જાણવા મળી હતી.
ઠગબાજો રૂ.5.99 લાખ સાત અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા
જોકે બેંક એકાઉન્ટ ચેક કરતા તેમની પર્સનલ લૉન પર રૂપિયા 7.38 લાખની ટોપ અપ લૉન લેવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ટોપ અપ લોનના જમા થયેલા નાણાં પૈકી ભેજાબાજો દ્વારા રૂ.5.99 લાખ સાત અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા. પોતે સાયબર ક્રાઇમનો ભોગ બનતા તે અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.






