અમદાવાદથી ઝડપાયેલ ચાર આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર, DGPએ જણાવ્યું, કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન
અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત ATSએ પકડેલા ચાર આતંકવાદીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ

અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત ATSએ પકડેલા ચાર આતંકવાદીઓને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસએ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીઓના 14 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્ત્વનું છે કે એટીએસએ રજૂઆત કરી હતી કે ૩ પિસ્તોલ અને 20 કારતૂસ મળી આવ્યા છે.
આતંકવાદીઓ પાસેથી શું મળી આવ્યું અને તેમનો શું ઉદ્દેશ્ય હતો?
વિકાસ સહાયે જણાવ્યું કે, 'ચારેય આતંકવાદીઓ પાસેથી પાસપોર્ટ, બે મોબાઈલ, સુટકેસ અને ISનો ફ્લેગ મળી આવ્યો છે. આ ચારેય ફેબ્રુઆરી 2024માં મૂળ શ્રીલંકાના અને હાલ પાકિસ્તાનમાં રહેતા અબુના સંપર્કમાં હતા. આ ચારેય ઓનલાઈન માધ્યમથી અને પ્રોટોન મેઈલની મદદથી તેના સંપર્કમાં રહ્યા. સંપૂર્ણપણે તેમણે ISની વિચારધારા અપનાવી લીધી હતી. પાકિસ્તાનમાં રહેતા અબુએ આ ચારેય લોકોને ભારતમાં કોઈ જગ્યાએ આતંકવાદી કૃત્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે માટે આ ચારેય સહમત પણ થયા હતા. એટલી હદે તેઓ સહમત હતા કે અમુકે તો સુસાઈડ બોમ્બર બનવા માટે પણ તૈયારી દર્શાવી હતી. આ તમામને આતંકી કૃત્ય કરવા માટે અબુએ શ્રીલંકન ચાર લાખ રૂપિયા પણ આપ્યા હતા.'
તેમના મોબાઈલમાંથી શું મળી આવ્યું ?
વિકાસ સહાયે જણાવ્યું કે, 'તેમની પાસેથી બે મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ અને વીડિયો છે. જેનાથી સાબિતી મળે છે કે તેઓ ISના સક્રિય સભ્ય બની ગયા હતા અને તેની વિચારધારામાં માનતા થઈ ગયા હતા. ઉપરાંત મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમાંથી અમૂક ફોટો અને લોકેશન મળી આવ્યા. જે લોકેશન નાનાચિલોડાના હિંમતનગર રોડ પરની એક જગ્યાનું છે. આતંકીઓના કહેવા મુજબ પાકિસ્તાની હેન્ડલર છે તેમણે આતંકી કૃત્ય કરવા માટે હથિયાર એક જગ્યાએ રાખી મૂક્યા હતા. જે જગ્યાના ફોટો અને માહિતી તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવી.
ત્યારબાદ તાત્કાલિક એટીએસના અધિકારીઓ રૂબરૂ તે જગ્યાએ નાનાચિલોડા પહોંચ્યા. મોબાઈલ ફોનની ગેલેરીમાં જે ફોટો હતા તે મુજબ ત્યાંથી વસ્તુઓ મળી આવી. તેની ચકાસણી કરતા તેમાંથી ત્રણ પિસ્તોલ મળી આવી. પિસ્તોલ પર સ્ટાર બનેલા છે જે પાકિસ્તાનના હથિયારોમાં હોય છે. તેના પર SATA લખેલું છે, જેનાથી સંપૂર્ણપણ સાબિત થાય છે કે આ પિસ્તોલ પાકિસ્તાનની છે. સાથો સાથ 20 કારતૂસ પણ મળી આવી છે. ત્રણેય પિસ્તોલ લોડેડ હતી. બેમાં સાત કારતૂસ અને એકમાં છ કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે ISનો ઝંડો પણ મળી આવ્યો છે.
આતંકીઓ ચેન્નાઈથી અમદાવાદ ઈન્ડિગો ફ્લાઈટમાં આવ્યા
DGP વિકાસ સહાયે જણાવ્યું કે, 19 અને 20 મેના રોજ હવાઈ માર્ગે અને રેલવે માર્ગે આ આતંકીઓ આવવાની બાતમી મળી હતી. જેના પગલે તેમના પર વોચ રાખવામાં આવી અને તેમને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આતંકીઓ ચેન્નાઈથી અમદાવાદ ઈન્ડિગો ફ્લાઈટમાં આવ્યા હતાં. જેઓ 19મીના રોજ સવારે શ્રીલંકાથી ચેન્નાઈ આવ્યા હતા. .








