અમદાવાદ: ઘરફોડ ચોરી કરનાર 4 આરોપીઓની 8 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ
Ahmedabad News : કોઈપણ વ્યક્તિ એકવાર જેલમાં જાય એટલે એ ગુનાખોરી કરવાનું છોડી દે અથવા તો મોટ

Ahmedabad News : કોઈપણ વ્યક્તિ એકવાર જેલમાં જાય એટલે એ ગુનાખોરી કરવાનું છોડી દે અથવા તો મોટો ગુનેગાર બની જાય છે. અમદાવાદની સાબરમતી જેલમાં ભેગા થયેલા ગુનેગારોએ જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાખોરી શરૂ કરી. ઘરફોડ ચોરી કરવા માટે પહેલા વાહનની ચોરી કરી અને એક બાદ એક છ ગુનાને અંજામ આપ્યો. અમદાવાદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
અમદાવાદ, આણંદ અને મહારાષ્ટ્રથી ચારે આરોપીઓને ઝડપી લેવાયા
આરોપીઓના રૂપેન્દ્રસિંઘ સુર, સસપાલસિંઘ કલાની, કરતારસિંગ તીલપિથીયા અને મનોજકુમાર સોનીએ અમદાવાદમાં અને ગાંધીનગરમાં છ જેટલી ચોરીને અંજામ આપતા ફરી જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરના 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને તેમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તે કારના આધારે જ ઝોન-1 LCBની ટીમ આ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓની તપાસ કરતા તે અલગ અલગ જગ્યા ઉપર હોવાની હકીકત ધ્યાને આવી હતી. પોલીસે અમદાવાદ, આણંદ અને મહારાષ્ટ્રથી ચારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જેલમાં જ ત્રણે વચ્ચે મિત્રતા થઈ
ઝોન-1 LCBએ આરોપીઓને પકડી તપાસ કરતાં સામે આવ્યું કે આરોપીઓમાંથી રૂપેન્દ્રસિંઘ સુર, શશપાલસિંગ કલાની અને કરતારસિંગ તિલીપિથીયા આ ત્રણે આરોપીઓ લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યા જેવા ગંભીર ગુનામાં કેદ હતા. જેલમાં જ ત્રણે વચ્ચે મિત્રતા થઈ અને જેલમાંથી છૂટ્યા બાદ તેમણે મળીને ચોરીના ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું.
ઘાટલોડીયા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા અને ગાંધીનગરમાં ઘરફોડ ચોરી કરી
વર્ષ 2023માં આરોપીઓ જેલમાંથી બહાર આવતા તેમણે સૌથી પહેલા ગાંધીનગર વિસ્તારમાંથી એક કારની ચોરી કરી હતી. તે કાર જૂની હોવાથી સરખી ચાલતી ન હોવાથી તેને એક જગ્યાએ મૂકીને અન્ય એક કારની ચોરી કરી હતી. તે કારનો ઉપયોગ કરીને ઘાટલોડીયા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા અને ગાંધીનગરમાં કુલ 23 લાખના મુદ્દામાલની ઘરફોડ ચોરી કરી હતી. આરોપીઓએ લૂંટ, ચોરી સહિતના અનેક ગુનાઓ આચરી ચૂક્યા હોવાની હકીકત તપાસ ખુલી છે.
8.64 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત
ઝોન-1 LCBએ આરોપીઓ પાસેથી કુલ 5.52 લાખથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ તેમજ ત્રણ વાહનો, બે મોબાઈલ ફોન અને રોકડ 10,000 સહિત 8.64 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપીઓમાં મનોજકુમાર સોની અન્ય ત્રણ આરોપીઓ જે ઘરફોડ ચોરી કરીને સામાન લાવતા હતા તેને સોની સુધી પહોંચાડવા માટેનું કામ કરતો હતો. આરોપીઓએ અમુક દાગીના નકલી હોવાની આશંકાએ કેનાલમાં ફેંકી દીધા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી અન્ય મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.







