ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારી હત્યા, જૂની અદાવતમાં થયો હતો ઝઘડો
પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત થયું છે. ભાજપના પૂર્વ સાંસદ

પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત થયું છે. ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના નાના ભાઈના પુત્રની કવાંટ તાલુકાના પીપલદી ગામે ગોળી મારી હત્યા કરાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
મળતી વિગતો મુજબ, રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું ગોળી મારી હત્યા કરવામાં ગામના જ બે શખ્સોનું નામ આવ્યું છે. બે શખ્સ મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી છે. સાથે જ આ હત્યા પાછળનું કારણ શું હતું તેની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, બંને આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને PM અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શંકર રાઠવા અને રેવજી રાઠવા પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.






