દક્ષિણ ગુજરાતમાં અઠવાડિયાથી ધુમ્મસભર્યુ વાતાવરણ, ભેજનું પ્રમાણ વધતા બાગાયતી પાકોમાં નુકસાનની ભીતિ
દક્ષિણ ગુજરાતમાં બદલાતું વાતાવરણ ધરતીના તાત માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યું છ

દક્ષિણ ગુજરાતમાં બદલાતું વાતાવરણ ધરતીના તાત માટે ચિંતાજનક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા 10 દિવસોથી ધુમ્મસીયું વાતાવરણ રહેવા સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે નવસારીમાં થતા શાકભાજી પાક, બાગાયતી પાકોમાં જીવાત પડવાથી પાકના ઉત્પાદન ઉપર મોટી અસર થશે. ખેડૂતોને ભારે નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ સુરતમાં જૂની અદાવતમાં હત્યા, બે ઈસમોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકને ઉતાર્યો મોતને ઘાટ
તાપમાન ઘટીને 16 ડિગ્રી
નવસારી જિલ્લાના ખેડૂતો અતિવૃષ્ટિ સામે જેમ તેમ બાથ ભીડીને બેઠા થયા, ત્યાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું પ્રમાણ વધવાથી હવામાનમાં ભેજ વધુ અને લઘુત્તમ તાપમાન પણ 16 ડિગ્રીની નીચે રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. 10 દિવસોથી વધુ સમય વીત્યો છે અને વાતાવરણ ખુલવાનું નામ નથી લઈ રહ્યું. સવારે ઝાંકળ સાથે ધુમ્મસીયુ વાતાવરણ અને આખો દિવસ ભેજ વધુ રહે છે. સાંજે પણ ઝાંકળને કારણે ખેતી ઉપર માઠી અસર થઇ રહી છે.
શાકભાજીના પાકોમાં રોગનો ઉપદ્રવ
રીંગણ, ટામેટા, ફ્લાવર, કોબીજ જેવા શાકભાજી સહિત વેલાવાળા શાકભાજી પાકોમાં ભેજને કારણે ચુસિયા પ્રકારની ઈયળનો ઉપદ્રવ વધ્યો છે. જેથી ફૂલ ખરી પડે છે, જ્યારે ફળનું બેસાણ થયુ હોય, એ પણ બપોરની ગરમીને કારણે સમય કરતા વહેલા પરિપકવ થઈ જાય છે. બાગાયતી પાકોમાં આંબાવાડીઓમાં મોર આવવાની શરૂઆત થઈ છે, પરંતુ સતત નીચું તાપમાન અને ભેજને કારણે મોર પણ કાળો પડી ખરી જવાની સંભાવના વધી છે. બીજી તરફ કેળ, પ૫મ, શેરડી વગેરે પાકોમાં પણ નુકશાની વેઠવાનો વારો આવે એવી સ્થિતિ જોવાઈ રહી છે. ખેતી પાક બચાવવા ખેડૂતો રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કરે છે, પણ વાતાવરણને કારણે તેની અસર નહિવત રહી છે.
દવાઓના છંટકાવ આડેધડ
વાતાવરણમાં ઝાકળ અને ભેજને કારણે પાકમાં ફૂગ અને જીવાત વધવાની સંભાવનાને જોતા નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ખેડૂતોને તેમના અનુભવ તેમજ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શનમાં દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને આંબામાં મોર ખરવા તેમજ પાનમાં ભુકી છારાનો રોગ લાગવાની સંભાવના અને શાકભાજી પાકોમાં ચૂસિયા પ્રકારની ઈયળથી બચવા સલાહ મુજબની દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપી રહ્યા છે.વાતાવરણને પ્રતિકૂળ બનાવવામાં માનવોનો જ હાથ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં વધુ પડતાં રસાયણોનો ઉપયોગ વાતાવરણમાં ગરમી વધારી છે અને તેની સીધી અસર ઋતુચક્ર ઉપર થઈ રહી છે. ત્યારે નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ પસંદ કર્યો છે, પણ ખેતીમાં થતી વાતાવરણની અસર સામે ટકવા નવા સંશોધનોની પણ જરૂર વર્તાઈ રહી છે.








