અમદાવાદ / ચૂંટણીના માહોલમાં નરોડામાં ફાયરિંગની ઘટના, પોલીસે નોંધ્યો ગુનો
અમદાવાદનાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વાર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં રવિવારે રાત્રે 10

અમદાવાદનાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વાર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં રવિવારે રાત્રે 10:30 વાગે આસપાસ વિશ્વજીતસિંહ ઠાકુર નામના ફરિયાદી પોતાના પત્નીને લઈને ચાલવા નિકળ્યા હતા. એ દરમિયાન તેઓના ઘરની સામે નવયુગ કેનાલ પાસે પસાર થતા સમયે કેનાલ પર કેટલાક યુવકો હસી મજાક કરી બિભત્સ શબ્દોનો ઉપયોગ કરી વાતો કરી રહ્યા હતા.
ફરિયાદીએ તેઓને ગાળાગાળી કરવાની ના પાડતા તમામ શખ્સોએ ઉશ્કેરાઈને ઝધડો કર્યો હતો. જે બાદ ફરિયાદી પોતાના ઘરે ગયા હતા અને થોડી વાર પછી આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને વિશ્વજીતસિંહ સાથે મારમારી કરી હતી. આ દરમિયાન રાધવેન્દ્રસિંહ ચૌહાણ નામનાં આરોપીએ પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ ગુનામાં સામેલ ફાયરિંગ કરનાર રાધવેન્દ્રસિંહ ચૌહાણ સિક્યુરીટી કંપનીનો મેનેજર હોવાથી તેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન હતી. આ ઘટનામાં બન્ને પક્ષે હત્યાના પ્રયાસ અને મારમારી સહિતની કલમો હેઠળ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.






