મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઓગણજના મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથો વચ્ચે બબાલ થયા બાદ વણસી હતી પરિસ્થિતિ

અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવાર સુધી ખૈલયાઓ ગરબા રમી રહ્યા છે

અમદાવાદ: ઓગણજના મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથો વચ્ચે બબાલ થયા બાદ વણસી હતી પરિસ્થિતિ

અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવાર સુધી ખૈલયાઓ ગરબા રમી રહ્યા છે, ત્યારે આ વચ્ચે -અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં માથાકૂટની ઘટના સામે આવી છે. મંડળીના ચાલુ ગરબા દરમ્યાન ફાયરિંગ થવાની ઘટના બની છે. મળતા અહેવાલ પ્રમાણે સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ થઈ હતી.

ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ 

ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ થયું હતું. વહેલી સવારે બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતુ. ફાયરિંગની ઘટના બાદ મંડળી ગરબા આયોજકોને ગરબા બંધ કરવાની ફરજ પડી હતી.

ફાયરિંગ સમયે અનેક લોકો ગરબા રમી રહ્યા હતા

ફાયરિંગ સમયે અનેક લોકો ગ્રાઉન્ડમાં ગરબા રમી રહ્યા હતા. ફાયરિંગ કરનાર શખ્સને હાજર સુરક્ષાકર્મીઓએ ગરબા આયોજન સ્થળેથી ખસેડ્યો હતો. જોકે આ ઘટના બાદ ખૈલયાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

અજાણ્યા શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રીએ આખી રાત ગરબા રમવાની છૂટ આપી છે, જેથી વહેલી સવાર સુધી ગરબાનું આયોજન થઇ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે 6:15 વાગે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આ ફાયરિંગની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી. આટલા મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ક્યાંકને ક્યાંક સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે.  સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શખ્સ બંદૂક લઇને ગરબામાં કેવી રીતે પહોંચ્યો હતો. આ બંદૂક લાઇસન્સવાળી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થાય છે. હવે જોવાનું એ રહ્યું છે આ ઘટનાને લઇને પોલીસ આયોજન વિરૂદ્ધ કેવા પગલાં લે છે કે બધું ભીનું સંકેલવામાં આવે છે. 

આ સમાચાર શેર કરો