અમદાવાદ : રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો, બે મહિલા સહિત પાંચ સામે ફરિયાદ
Ahmedabad News: ગુજરાતમાં હાલ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી

Ahmedabad News: ગુજરાતમાં હાલ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર બાદ શનિવારે (18 જાન્યુઆરી) એ.એમ.સીની ટીમ અને ગુજરાત પોલીસ રાણીપ વિસ્તારમાં દબાણ દૂર કરવા પહોંચી હતી. જો કે, ત્યાં દબાણ દૂર કરવા ગયેલી પોલીસ અને મનપાની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના રાણીપમાં રવિવારે (18 જાન્યુઆરી) રામજીભાઈ ખાડિયાની ચાલીમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને મનપાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. દબાણ દૂર ન કરવા દેવાના પ્રયાસરૂપે સ્થાનિકો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય PSIનો કોલર પકડી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય પરિવારજનોએ આત્મહત્યાની પણ ધમકી આપી હતી.
પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ
સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં અમદાવાદ મહાનગરપાલિકાની ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવી તેમજ હુમલો કરવાના મામલે બે મહિલા સહિત કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર એમ કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ, સમગ્ર મામલો થાળે પડી ગયો છે અને તંત્ર દ્વારા ફરી દબાણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.






