સુત્રાપાડા કસ્ટોડિયલ ડેથમાં 6થી વધુ પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું હતો મામલો
FIR filed against more than 6 policemen in Sutrapada custodial death | ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક યુવકે માથા પછા

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક યુવકે માથા પછાડીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જો કે આ યુવકનું મોત થતા તેના પરિવારજનોએ જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે આ સમગ્ર મામલે સુત્રાપાડા અને તલાલાના 6થી વધુ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જાણો શું હતો સમગ્ર મામલો
અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામના નરેશ જીવાભાઇ જોળીયા (ઉ.વ.30) નામના યુવક પર તેના એક કુટુંબીએ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં સગીરાને ભગાડી જવા બાબતે ગુનો નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણેક માસથી સગીરાને ભગાડી જનાર યુવકને મદદગારી કરવાના ગુનામા ફીટ કરવાનું કહી સુત્રાપાડા પોલીસ તેને હેરાન કરતી હતી.
મૃતક યુવકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, 26 મેની સાંજે તાલાલાના મહિલા સીપીઆઇ સુત્રાપાડા પોલીસ અને નાગેશ્રીના પોલીસકર્મીઓ ભટ્ટવદર આવ્યા હતા. અને આ યુવકને મારતા મારતા પોતાની ગાડીમા બેસાડી લઇ ગયા હતા. યુવકને સૌપ્રથમ નાગેશ્રી પોલીસ મથકે લઇ જવાયો હતો. જયાં વિનુભાઇ નામના પોલીસકર્મીએ તેને મારમાર્યો હતો. બાદમા પ્રાચી ખાતે એક પોલીસકર્મીએ મારમાર્યો હતો અને અંતે સુત્રાપાડામાં પોલીસે મારમારી યુવકને લોકઅપમાં મુકી દીધો હતો.
જયાં વહેલી સવારે પાંચેક વાગ્યે યુવકે માથા પછાડયા હતા જેથી ઘાયલ યુવકને સારવાર માટે પ્રથમ સુત્રાપાડા દવાખાને, ત્યાંથી વેરાવળ, ત્યાંથી જુનાગઢ અને બાદમા રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. રાજકોટ સિવિલમાં આ યુવકે વિડીયો બનાવી પોતાના પર ત્રાસ ગુજારનાર પોલીસકર્મીઓના નામ આપ્યા હતા. રાજકોટથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાતા તેનું મોત થયુ હતું. અમદાવાદ ખાતે જ યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પોલીસે માનવતા નેવે મુકીને પરિવારને મૃતદેહ સોંપવાને બદલે જુનાગઢ જેલ ખાતે આવી મૃતદેહ લઇ જવાનું કહેતા પરિજનોએ જયાં સુધી પોલીસકર્મીઓ સામે ગુનો નહી નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકરવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે કોળી સમાજના રાજકીય નેતાઓના હીરાભાઈ સોલંકી અને વિમલ ચુડાસમાના હસ્તક્ષેપથી સુત્રાપાડા અને તલાલાના 6થી વધુ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.








