આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં

ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં કોકડું ગૂંચવાયું હતું, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પદાધિકારીઓના નામ સવારે 10 વાગ્યે જાહેર થવાના હતા. જોકે, આંતરિક વિખવાદ અને ખેંચતાણને કારણે બપોરે 1 વાગ્યા બાદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરાયા હતા.
સુરત મનપાના પદાધિકારીઓના નામ જાહેર
• મેયર: માયાબહેન માવાણી
• ડેપ્યુટી મેયર: સુધાકર ચૌધરી
• સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: રાજન પટેલ
• શાસક પક્ષ નેતા: અલ્પાબહેન પટેલ
• દંડક: ઊર્મિલાબહેન ત્રિપાઠી
તમામ મનપાઓની સરખામણીએ સુરતમાં પદાધિકારીઓના નામ જાહેર કરવામાં ભારે મોડું થયું
રાજ્યની નજર સુરત મનપા પર ટકેલી હતી. કારણ કે અન્ય તમામ મનપાઓની સરખામણીએ સુરતમાં પદાધિકારીઓના નામ જાહેર કરવામાં ભારે મોડું થયું હતું. ભાજપના આંતરિક સમીકરણો અને અલગ-અલગ જૂથો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓને કારણે લગભગ ત્રણ કલાક સુધી નામોની સત્તાવાર જાહેરાત અટકી રહી હતી.








