Video: વડોદરામાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, થોડા દિવસ અગાઉ PSIની શારીરિક કસોટી કરી હતી પાસ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોન્સ્ટેબલના આપઘાતની ઘટના બની રહી છે. એવામાં વધુ એક કોન્


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોન્સ્ટેબલના આપઘાતની ઘટના બની રહી છે. એવામાં વધુ એક કોન્સ્ટેબલે જીવન ટુંકાવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ તેના જ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
મહિલા કોન્સ્ટેબલે થોડા સમય પહેલા જ પીએસઆઈની શારીરિક કસોટી પાસ કરી હતી. મૃતક મૂળ બનાસકાંઠાના વતની હતા અને આજવા રોડ વિસ્તારમાં રહેતા હતા. બાપોદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વધુ એક મહિલા કોનસ્ટેબલના આપઘાતથી પોલીસ બેડામાં ચકચાર મચી છે.
પીએસઆઈની લેખિત પરીક્ષાની તૈયારીમાં હતા
મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરામાં આજવા રોડ પર નવજીવન પાસે રહીને પોતાની ફરજ બજાવતા હતા. પીએસઆઈ બનવા માટે તેમણે ભારે મહેનત કરી હતી અને પ્રારંભિક સફળતા પણ મેળવી લીધી હતી. તેઓ આગામી લેખિત પરીક્ષા માટે તનતોડ તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમણે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.
પોલીસ બેડામાં ગમગીની
ઘટનાની જાણ થતા જ બાપોદ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉમટી પડ્યા હતા. એક તેજસ્વી અને મહેનતુ સાથી કર્મચારીને ગુમાવતા સાથી પોલીસ જવાનોએ અત્યંત ભારે હૈયે પ્રિયંકા પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આપઘાતનું કારણ અકબંધ
પ્રિયંકાએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. શું કોઈ કામનું દબાણ હતું, અંગત પારિવારિક સમસ્યા હતી કે અન્ય કોઈ કારણ? તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.








