મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Valsad: આર્થિક લાચારી અને માનસિક તણાવથી કંટાળીને મધ્યમવર્ગીય પરિવારે સામૂહિક 'ઈચ્છા મૃત્યુ' ની કરી માંગ

વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાંથી એક હૃદયદ્ર

Valsad: આર્થિક લાચારી અને માનસિક તણાવથી કંટાળીને મધ્યમવર્ગીય પરિવારે સામૂહિક 'ઈચ્છા મૃત્યુ' ની કરી માંગ
આ સમાચાર સાંભળો

વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને વહીવટીતંત્રને ઝંઝોળી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. સરકારી યોજનાઓ અને વિકાસના દાવાઓ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવારે આર્થિક લાચારી અને માનસિક તણાવથી કંટાળીને સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ (Euthanasia)ની માંગ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્યાંગ પુત્રીની હાલત અને આર્થિક ભીંસ બની કારણ

મળતી માહિતી અનુસાર, અબ્રામા સ્થિત જલારામ મંદિર પાસે રહેતા સુરેશભાઈ ગજાનન નાઈક અને તેમનો પરિવાર લાંબા સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. સુરેશભાઈના જણાવ્યાનુસાર, તેમની દિવ્યાંગ પુત્રી અશ્વિનીની સારવાર અને ઘર ચલાવવા માટેના સાધનોના અભાવે તેઓ પાયમાલ થઈ ગયા છે. આ સતત વધતા માનસિક અને આર્થિક બોજને કારણે તેમણે પત્ની ચિત્રાબહેન, પુત્ર મકરંદ અને પુત્રી સાથે જીવન ટૂંકાવવાનો આત્યંતિક નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયા પર પત્ર વાઈરલ થતાં તંત્રમાં દોડધામ

સુરેશભાઈએ વલસાડ કલેક્ટરને ઉદ્દેશીને લખેલો એક પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. પત્રમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે,'અમે આ જીવનથી છૂટકારો મેળવવા માંગીએ છીએ, આ માટે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે કરવા અમે તૈયાર છીએ.' આ પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ પોલીસ અને વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સુરેશભાઈ હાલ ભારે માનસિક તણાવમાં છે અને તેમણે વધુ વાત કરવાનો ઈનકાર કર્યો છે. જોકે, તેમણે જણાવ્યું છે કે તેઓ સોમવારે કલેક્ટરને રૂબરૂ મળીને પોતાની વ્યથા રજૂ કરશે.

ન્યાયની ગુહાર કે નવી પદ્ધતિ?

આ ઘટનાને લઈને જિલ્લામાં બે પ્રકારની ચર્ચાઓ જાગી છે. જેમાં કે, શું ખરેખર સરકારી સહાય છેવાડાના માનવી સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે? શું આ પદ્ધતિ તંત્રનું ધ્યાન ખેંચવા અને ન્યાય મેળવવા માટેનો એક નવો ‘ટ્રેન્ડ’ છે?

ભારતમાં કાયદાકીય સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, ભારતીય કાયદા મુજબ ‘ઈચ્છા મૃત્યુ’ માન્ય નથી. સુપ્રીમ કોર્ટે માત્ર ‘પેસિવ યુથનેશિયા’ (Passive Euthanasia)ને અમુક શરતો સાથે મંજૂરી આપી છે, પરંતુ સક્રિય રીતે જીવન ટૂંકાવવાની પરવાનગી કાયદો આપતો નથી. હવે સોમવારે (11મી મે) કલેક્ટર સાથેની મુલાકાત બાદ જ સ્પષ્ટ થશે કે તંત્ર આ પરિવારને મદદનો હાથ લંબાવે છે કે પછી કાયદાકીય કાર્યવાહીનો સહારો લે છે.

આ સમાચાર શેર કરો