મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેટ્રો સિટીની ફાસ્ટ લાઈફ બની અભિશાપ: અમદાવાદમાં ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસના કિસ્સા ચિંતાજનક સ્તરે

મેટ્રો સિટીની ફાસ્ટ લાઈફ બની અભિશાપ: અમદાવાદમાં ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસના કિસ્સા ચિંતાજનક સ્તરે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં ઝડપી જીવનશૈલી, આર્થિક ખેંચતાણ અને સોશિયલ મીડિયાના વર્ચ્યુઅલ આકર્ષણોના કારણે ચાર દીવાલો વચ્ચે પારિવારિક સંબંધોમાં અસહિષ્ણુતા ચિંતાજનક હદે વધી રહી છે, જેના કારણે મહિલાઓ ગંભીર ઘરેલુ હિંસા અને અસહ્ય માનસિક ત્રાસનો ભોગ બની રહી છે. 181 મહિલા હેલ્પલાઇનના છેલ્લા ત્રણ વર્ષના સત્તાવાર ડેટા મુજબ, શહેરમાં નોંધાયેલા કુલ 24,136 ઇમરજન્સી કોલ્સ પૈકી 52 ટકાથી વધુ એટલે કે 12,721 કિસ્સા માત્ર પતિ કે સાસરિયાં દ્વારા થતી શારીરિક મારપીટ અને ઘરેલુ હિંસાના સામે આવ્યા છે.

સંબંધોમાં સંવાદનો અભાવ અને વર્ચ્યુઅલ આકર્ષણથી ઘરોમાં કંકાસ

આ સિવાય ગાળાગાળી અને માનસિક ટોર્ચરના 3,984 કેસ નોંધાયા છે, જ્યારે પારિવારિક વિખવાદ ચરમસીમાએ પહોંચતાં 1,365 પરિણીતાઓને પોતાના જ ઘરમાંથી કાઢી મુકાતાં રસ્તા પર આવી જતાં બેઘર બની ગઈ છે. સાયકોલોજિસ્ટ્સના મતે, વિભક્ત પરિવારોમાં વડીલોની ગેરહાજરી અને તૂટતા સંવાદ વચ્ચે પતિ-પત્નીનો અહંકાર નાની બાબતોમાં પણ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

લગ્નેતર સંબંધોના કારણે 1,168 પરિવારોમાં તિરાડ

શહેરમાં વર્ષ 2024માં ડોમેસ્ટિક વાયોલન્સના 4,721, વર્ષ 2025માં 4,489 અને વર્ષ 2026માં 3,511 કોલ નોંધાયા છે. બીજી તરફ, શહેરી સંસ્કૃતિમાં પતિ કે પત્નીના સ્માર્ટફોન-સોશિયલ મીડિયા પર વધેલા વર્ચ્યુઅલ જોડાણ અને લગ્નેતર સંબંધોના કારણે 1,168 પરિવારોમાં તિરાડ પડી છે, જેમાં વર્ષ 2024માં 452, વર્ષ 2025માં 392 અને વર્ષ 2026માં 324 કિસ્સા સામે આવ્યા છે. આ તકરાર એટલી હદે વકરી રહી છે કે માસૂમ બાળકોની કસ્ટડી છીનવી લેવા કે મળવા ન દેવાના વર્ષ 2024માં 283, વર્ષ 2025માં 234 અને વર્ષ 2026માં 197 મળીને કુલ 714 બનાવોમાં હેલ્પલાઇનની રેસ્ક્યૂ વાન અને કાઉન્સિલર્સની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ દરમિયાનગીરી કરવી પડી છે.

સંબંધો કેમ તૂટી રહ્યા છે અને હિંસા કેમ વધી રહી છે? : સાયકોલોજિસ્ટ એનાલિસિસ

  • ઇમોશનલ ગેપ અને સત્તા સ્થાપવાની વિકૃતિ: દંપતી વચ્ચે દિવસભર વાતચીત ઘટી રહી છે અને ઇમોશનલ વેક્યુમ ઊભું થાય છે. પુરુષ પ્રધાન માનસિકતા ધરાવતા લોકો સામેવાળા પાર્ટનર પર માનસિક કાબૂ મેળવવા શારીરિક બળ કે ગાળાગાળીનો સહારો લે છે.
  • ડિજિટલ સ્પેસ અને લગ્નેતર સંબંધો: સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના કારણે ભાવનાત્મક કે શારીરિક અસંતોષ ધરાવતા લોકો બહાર માન્યતા શોધે છે. આ વહેમ કે હકીકત સામે આવતાં જ ઘરમાં અવિશ્વાસ પેદા થાય છે, જે છેવટે મારપીટ અને છૂટાછેડા તરફ દોરી જાય છે.
  • આર્થિક તણાવ અને વ્યસન: મોંઘવારી, મોજશોખના ખર્ચા અને લોનના હપ્તાના ભારણથી પુરુષોમાં સ્ટ્રેસ અને ફ્રસ્ટ્રેશન વધે છે. આ આર્થિક હતાશા દારૂ કે જુગાર જેવા વ્યસનમાં પરિણમે છે અને તેનો ગુસ્સો નબળા પક્ષ એટલે કે પત્ની પર ઊતરે છે.
  • કસ્ટડી વિવાદમાં બાળક બદલાનું હથિયાર: છૂટાછેડા કે ઝઘડા વખતે બાળક લાગણીનો વિષય મટીને સામેવાળા પાત્રને સજા આપવાનું હથિયાર બની જાય છે. માતા પાસેથી બાળક બળજબરીથી છીનવી લેવાની વૃત્તિ ગંભીર માનસિક વિકૃતિ દર્શાવે છે, જેની બાળકના માનસપટ પર કાયમી આડઅસર પડે છે.

હિંસા અને વિખવાદ અટકાવવા શું ધ્યાન રાખવું?

  • રોજિંદો ઓપન કમ્યુનિકેશન ટાઈમ: દિવસમાં ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ સ્માર્ટફોન અને ટીવી બંધ રાખીને દંપતીએ એકબીજા સાથે દિવસભરની વાતો અને ચિંતાઓ શેર કરવી જોઈએ. મનમાં રહેલી નાની ગેરસમજ સમયસર બોલી દેવાથી મોટો વિસ્ફોટ અટકે છે.
  • એંગર મેનેજમેન્ટ અને 'પોઝ રૂલ': જ્યારે વાતચીતમાં ગુસ્સો કે અહંકાર હાવી થવા લાગે ત્યારે તાત્કાલિક દલીલ કરવાને બદલે 15 મિનિટનો પોઝ(શાંતિ) લેવો જોઈએ. ગુસ્સામાં હાથ ઉપાડવો કે અપશબ્દો બોલવા એ ગુનો છે તે વાતનું ભાન રાખવું અનિવાર્ય છે.
  • લગ્ન પહેલાં અને પછી કાઉન્સેલિંગ: લગ્નજીવનમાં પ્રવેશતાં પહેલાં પરસ્પરની અપેક્ષાઓ સ્પષ્ટ હોવી જરૂરી છે. જો ઘરમાં વારંવાર એક જ મુદ્દે ઝઘડા થતા હોય તો સામાજિક ક્ષોભ રાખ્યા વિના પ્રોફેશનલ મેરેજ કાઉન્સેલર કે સાયકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ.
  • ડિજિટલ બાઉન્ડ્રી અને પારદર્શિતા: સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની અંગત વાતચીત દાંપત્યજીવન માટે ઝેર સમાન સાબિત થાય છે. મોબાઈલના ઉપયોગ પર સ્વયંશિસ્ત રાખવી અને પાર્ટનર સાથે પારદર્શિતા જાળવવી જેથી અવિશ્વાસનું વાતાવરણ ઊભું ન થાય.
  • બાળકના માનસિક હિતને પ્રથમ પ્રાથમિકતા: કોઈપણ વિવાદમાં બાળકને વચ્ચે ન ઢસડવું. પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ હોય તો પણ સંયુક્ત વાલીપણાની સમજણ કેળવી બાળકના ઉછેર અને શિક્ષણને સુરક્ષિત રાખવું જોઈએ.

આ સમાચાર શેર કરો