AMRELI : ગીર ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં ખાંભામાં ખેડૂતોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
Gir Eco Sensitive Zone : અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં

Gir Eco Sensitive Zone : અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં ગીર ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ વધતો જઈ રહ્યો છે. સિંહોના રહેઠાણ સમા ખાંભા તાલુકાના ખેડૂતો અને રહીશો ઇકો સેન્સેટિવ ઝોનને લઇ વિરોધ યથાવત છે. આજે મંગળવારે ખાંભાના ખેડૂતોએ ઈકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ છે. ગીરના જંગલને અડીને આવેલા ખાંભાના કેટલાક ગામડા ઈકો સેન્સેટિવ ઝોનમાં આવતા હોવાને લઈને ખેડૂતોમાં ચિંતા છે. તેવામાં ખેડૂતો “ઇકો સેન્સેટિવ ઝોન હટાવો અને ખેડૂત બચાવોના”ના નારા સાથે મામલતદાર કચેરી પહોંચ્યા તેમજ ઈકો સેન્સેટીવ ઝોન રદ્દ કરવા માંગ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ઇકો-સેન્સિટિવ ઝોનમાં 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓને સમાવી લેવાઈ
નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા 4 મહત્ત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
ગીર ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં કોંગ્રેસ 9 ઓક્ટોબરે અમરેલીથી શરૂ કરશે લડત
જ્યારથી ગીરમાં ઈકો સેન્સેટિવ ઝોનનો વ્યાપ બાંધવાની જાહેરાત થઇ છે ત્યારથી જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામમાં સ્થાનિકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. તો ઈકો સેન્સેટિવ ઝોન હટાવવાની સ્થાનિકોની માગને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કહ્યું કે 9 ઓક્ટોબરથી લડતના મંડાણ થશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતા ધારી આવશે અને ખેડૂતો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણશે.








