Kheda news: મહેમદાવાદ જિલ્લાના કનીજ ગામના ખેડૂત સાથે 'પીએમ કિસાન યોજના'ના નામે લાખોની ઠગાઈ
મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના એક ખેડૂત સાથે સાયબર ઠગોએ

મહેમદાવાદના કનીજ ગામે રહેતા તુષારભાઈ હીરાભાઈ પટેલ ખેતી કરી પરિવારનું જીવન નિર્વાહ કરે છે. તેમના વોટ્સએપ ગુ્રપમાં ગત ૨૯ જૂન ૨૦૨૫ના રોજ એક અજાણ્યા નંબર પરથી 'પીએમ કિસાન યોજના'ની એક લિંક આવી હતી. ખેડૂતે આ લિંક પર ક્લિક કરવાની સાથે જ તેમનું સિમ કાર્ડ બંધ થઈ ગયું હતું. જેથી સિમ કાર્ડ બંધ થઈ જતાં ખેડૂત જ્યારે જીઓ સ્ટોર પર ગયા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનું આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક હોવાથી નવું સિમ એક્ટિવેટ થઈ શકતું નથી. આ દરમિયાન ઠગબાજોએ ખેડૂતના ડોક્યુમેન્ટ્સ અને સિમનો દૂરુપયોગ કરી ખેડૂતના દહેગામના એચડીએફસી બેંક ખાતામાંથી કુલ રૂ.૨,૮૯,૫૦૦ ગઠિયાઓએ પોતાના અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી સેરવી લીધા હતા.
જ્યારે ખેડૂત બેંકમાં સ્ટેટમેન્ટ કઢાવવા ગયા ત્યારે તેમના ખાતામાંથી અલગ અલગ બેંક ખાતામાં રોકડ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હોવાની જાણ થઈ હતી. જે તે સમયે તુષાર પટેલે સાયબર હેલ્પલાઈન પર જાણ કરી હતી. આ બનાવ અંગે તૃષાર હીરાભાઈ પટેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે, ત્યારે મોબાઈલ ધારકે કોઈપણ અજાણી લિંક કે સરકારી યોજનાના નામે આવતા મેસેજ પર ક્લિક કરતા પહેલા તેની ખરાઈ કરી લેવી જોઇએ જેથી સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકી શકાય.






