Banaskantha news: વાવેતરના સમયે જ ખાતરની અછતથી ખેડૂતોને નુકશાન, યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કરશે ઉગ્ર આંદોલન
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર અત્યારે પડતા પર પાટુ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર અત્યારે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના પગલે મગફળી અને બાજરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું, તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પાક નુકસાન અને ખાતરમાં સર્જાયેલી અછતને લઈ સરકાર ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લે તે માટે આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે પરંતુ વર્ષ 2025 ની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક પાકમાં નુકસાની વેઠવી રહ્યા છે. એક તરફ કુદરતી આપત્તિના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે તો બીજી તરફ વાવેતરના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો બંને બાજુથી મુશ્કેલીમાં મુકાયા છે. ઉનાળાના સમયે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન થયું હતું. એટલે કે આ વર્ષની આખી સિઝન બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે નવા વાવેતર સમયે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે.
સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી
]ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા થઈ જાય છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈ આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે કે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થયું છે સરકાર દ્વારા તેનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે અને જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાઈ છે ,તેનું પણ નિરાકરણ લાવવામાં આવે અને જો આવનારા સમયમાં સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ખેડૂત ઉગ્ર આંદોલન કરશે અને તેને તમામ જવાબદારી સરકારની રહેશે.






