મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઈકોર્ટનો ચુકાદો: પરસ્પર સંમંતિથી છૂટાછેડાની અરજીમાં કારણ વિના શંકાની ફેમીલી કોર્ટને નથી સત્તા

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્ય

હાઈકોર્ટનો ચુકાદો: પરસ્પર સંમંતિથી છૂટાછેડાની અરજીમાં કારણ વિના શંકાની ફેમીલી કોર્ટને નથી સત્તા

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, પતિ- પત્ની વચ્ચે પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા અંગેની અરજીમાં જયારે પતિ-પત્નીમાંથી કોઈપણ પક્ષકારે જયારે કોઈ અણધાર્યા સંજોગો વિશે અદાલતનું ધ્યાન દોર્યુ ના હોય તો પછી આવી અરજીમાં કોઇ શંકા કરવાની ફેમીલી કોર્ટને સત્તા કે અધિકાર નથી. આ બાબત ફેમીલી કોર્ટના ન્યાયિક ક્ષેત્રમાં આવતી નથી. પરસ્પર સંમંતિથી પતિ-પત્નીના છૂટાછેડા નામંજૂર કરવાના આણંદ ફેમીલી કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે ગેરકાયદેસર, અયોગ્ય અને રદબાતલ ઠરાવ્યો હતો. જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ મૌલિક શેલતની ખંડપીઠે પતિ-પત્ની બંનેને સાંભળ્યા બાદ તેમની ઇચ્છા જાણ્યા બાદ તેમના છૂટાછેડા મંજૂર કર્યા હતા.

છૂટાછેડા નામંજૂર કરવાનો આણંદ ફેમીલી કોર્ટનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ

છૂટાછેડા નામંજૂર કરવાના ફેમીલી કોર્ટના હુકમને પડકારતી અરજદાર પતિ- પત્ની તરફથી કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ મહર્ષિ પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારો વચ્ચે તા.૧૨- ૭-૧૯૯૯ના રોજ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમ્યાન ૨૦૦૨માં તેમને એક પુત્ર પણ જન્મ્યો હતો. જો કે, લગ્નજીવનમાં સમય જતાં બને વચ્ચે ખટરાગ, અણબનાવ થઈ ગયા હતા અને તેના કારણે તેઓ છેલ્લા પાંચેક વર્ષથી અલગ જ રહેતા હતા. 

દરમ્યાન પતિ-પત્ની બંનેએ પરસ્પર સંમંતિ છૂટા પડવાનું નક્કી કર્યું કે જેથી તેઓ બંને જણાં સ્વતંત્ર રીતે પોતાની જીંદગી જીવી શકે. તેથી ૨૦૨૩માં બંને તરફથી આણંદ ફેમીલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જો કે, તા.૫-૮- ૨૦૨૪એ આણંદ ફેમીલી કોર્ટે પતિ- પત્નીની પરસ્પર સંમંતિથી છૂટાછેડાની અરજી ટેકનીકલ કારણોસર નામંજૂર કરી હતી.

આ પણ વાંચો: 'હેલમેટ નહીં પહેરવી, લાઈસન્સ વગર વાહન ચલાવવું', નિયમોના ભંગના કારણે દંડાય છે રોજના 1825 ગુજરાતીઓ


અરજદાર પતિ-પત્ની તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩(બી) હેઠળ પતિ- પત્નીને પરસ્પર સંમંતિથી છૂટા પડવાનો અધિકાર મળેલો છે. જેમાં ત્રણ મુખ્ય જોગવાઈ હોય છે કે, પતિ-પત્ની એ વર્ષથી અલગ રહેતા હોવા જોઇએ, બંને કોઇપણ સંજોગોમાં સાથે રહી ના શકે તેવી સ્થિતિ | હોય અને બંનેની છૂટાછેડા માટે સહમતિ કે મંજૂરી હોવી જોઈએ. પ્રસ્તુત કેસમાં આ ત્રણેય ક્રાયટેરિયા પરિપૂર્ણ થાય છે, તેમછતાં ફેમીલી કોર્ટે તેમના છૂટાછેડા ખોટી રીતે નામંજૂર કર્યા છે. વાસ્તવમાં ફેમીલી કોર્ટે માત્ર ઉપરોકત કાયદાકીય જોગવાઈ અને પરસ્પર સમંતિનું પરિબળ જ ધ્યાનમાં લેવાનું રહે છે અને બીજી કોઇ ખરાઇ કે વાતમાં તેને પડવાનું હોતુ નથી. આ સંજોગોમાં ફેમીલી કોર્ટનો હુકમ અયોગ્ય અને ગેરકાયદે હોઇ હાઈકોર્ટે તેને રદબાતલ ઠરાવી અરજદાર પતિ-પત્નીના છૂટાછેડા મંજૂર કરવા જોઇએ.

ફેમીલી કોર્ટે હિન્દુ મેરેજ એકટની જોગવાઇ નજર અંદાજ કરી

જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ મૌલિક શેલતની ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં કમનસીબે આણંદ ફેમીલી કોર્ટે હિન્દુ મેરેજ એકટની કલમ-૧૩બી ની જોગવાઈ વાંચવામાં સંદતરે નુજરઅંદાજ કર્યો છે. જ્યારે બંને પતિ-પત્ની એક વર્ષ કરતાં વધુ સમયગાળાથી અલગ રહે છે અને તેઓ હવે સાથે રહી શકે તેમ નથી ત્યારે તેમના લગ્ન વિચ્છેદ્ થવા જોઈએ ત્યારે બંનેમાંથી કોઈ પક્ષકારે અણધાર્યા સંજોગો વિશે અદાલતનું ધ્યાન ના દોર્યું તો પછી કારણ વિના આ અરજી પર શંકા કરવાની ફેમીલી કોર્ટને જરૂર નથી. પરસ્પર સંમંતિથી છૂટાછેડાની અરજી નામંજૂર કરવાનો આણંદ ફેમીલી કોર્ટનો હુકમ દેખીતી રીતે અયોગ્ય અને ભૂલભરેલો જણાય છે.

પત્નીએ દુબઇથી વીડિયો કોન્ફરન્સીંગ મારફતે છૂટાછેડા માટે સંમંતિ આપી

આ કેસની સુનાવણી થોડી રસપ્રદ બની રહી હતી કારણ કે, પ્રસ્તુત કેસમાં પત્ની પોતાના યુવાન પુત્રને લઇ દુબઇ સ્થાયી થઇ ગઈ હતી. તેણે પોતાના પિતાને સ્પેશ્યલ પાવર ઓફ એટર્ની આપી છૂટાછેડાની અરજી દાખલ કરી સંમંતિ આપી હતી. આણંદ ફેમીલી કોર્ટે આગ્રહ રાખતાં પત્નીએ દુબઈથી વીડિયો કોન્ફરન્સીંગ થ્રુ જુબાની આપી હતી. ચોંકાવનારી વાત છે કે, પત્નીની વીડિયો કોન્ફરન્સીંગથી જુબાની કે ઇચ્છા જાણી તે બાબત આણંદ ફેમીલી કોર્ટ દ્વારા રોજકામમાં નોંધ સુધ્ધાં કરવામાં આવી ન હતી

આ સમાચાર શેર કરો