કચ્છમાંથી નકલી ગાયનેક હૉસ્પિટલ ઝડપાઇ, છેલ્લા 3 વર્ષથી સગર્ભા મહિલાઓની કરાવાતી હતી પ્રસૂતિ
અમદાવાદના નાના ચિલોડામાંથી બોગસ હોસ્પિટલ ઝડપાયા બાદ હવે કચ્છમાંથી પણ નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઇ છે.લખપતના દયાપરમાં ગાયન

અમદાવાદના નાના ચિલોડામાંથી બોગસ હોસ્પિટલ ઝડપાયા બાદ હવે કચ્છમાંથી પણ નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઇ છે.લખપતના દયાપરમાં ગાયનેક હોસ્પિટલ ખોલીને પ્રેક્ટિસ કરતી બિહારી મહિલાને પોલીસે ઝડપી પાડી હતી.
કચ્છમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઇ
કચ્છના છેવાડાના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલી સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરાવતી મહિલા ઝડપાઇ છે. જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં લખેલા પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં લખપતના તાલુકા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને દયાપરમાં આવેલી 'ન્યૂ જનની હૉસ્પિટલ'માં તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલમાં ડૉ. અનુરાધા મંટુપ્રસાદ યાદવ મૂળ વતન બિહાર પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની MBBS,MD કે DGO જેવી શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ માંગતા તેની પાસે આવી કોઇ ડિગ્રીઓ જ નહોતી.
અનુરાધાએ ડિગ્રીના નામે એક્યુપંક્ચર અને એક્યુપ્રેશરની મેળવેલી તાલીમનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.પ્રાથમિક પૂછપરછમાં અનુરાધાએ પોતે ત્રણ વર્ષથી અહીં ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવી પોતે સગર્ભા મહિલાઓની સારવાર અને પ્રસૂતિ કરાવતી હતી.આ સિવાય હોસ્પિટલમાં જ બનાવેલાં ઈન્ડોર મેડિકલ સ્ટોરમાંથી તે મહિલા દર્દીઓને હોર્મોનલ ઈન્જેક્શનો અને અન્ય એન્ટીબાયોટીક્સ સહિતની દવા ગોળી ઈન્જેક્શનો આપતી હતી. હોસ્પિટલમાંથી કુલ 4 લાખની દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રસૂતા મહિલાઓના જીવન સાથે ચેડાં કરતી આ બોગસ મહિલા ડોક્ટર સામે દયાપર પોલીસે BNS 125 અને 318 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 33 હેઠળગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.








