KUTCH : રાપરના આડેસર ગામે કારખાનેદારે દલિત યુવતી પર આચર્યું દુષ્કર્મ
Kutch News : વડોદરા અને સુરતમાં સગીરા સાથે થયેલાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ હવે કચ્છના રા

Kutch News : વડોદરા અને સુરતમાં સગીરા સાથે થયેલાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ હવે કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી દલિત યુવતી પર પેવરબ્લોકના કારખાનેદારે બળાત્કાર ગુજાર્યાની ઘટના ઘટી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રાપર તાલુકાના આડેસર ગામે રહેતી 18 વર્ષીય યુવતી ગત 7 તારીખે રાત્રે 1 વાગ્યે ગરબા જોઈને ઘરે પરત ફરી રહી હતી તે સમયે તેને અચાનક ચક્કર આવી ગયા હતા. સંજય નામનો યુવક તેને નજીકમાં આવેલા પેવરબ્લોકના કારખાનામાં પાણી પીવડાવવા લઈ ગયો અને યુવતીની સ્થિતિનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ અંગે ગત રાત્રે યુવતીએ આડેસર પોલીસ મથકે આપેલી ફરિયાદના આધારે પોલીસે બળાત્કાર, દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાતમાં મહિલાઓ અસલામત, 15 દિવસમાં દુષ્કર્મની 10 ઘટના
છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 10થી વધુ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. એક તરફ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ દર રોજ મહિલાઓ કે સગીરાઓ સાથે બળાત્કારના સમાચાર સામે આવે છે. ગુજરાત મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.
ઓક્ટોબર મહિનામાં સુરત, વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરન્દ્રનગર, બોરસદ સહિતના શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ભાયલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના પહેલા દાહોદમાં પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના નરાધમ આચાર્યએ જ હવસનો શિકાર બનાવી તેની હત્યા કરી નાંખી હતી. સુરેન્દ્રનગરમાં નશામાં ધૂત એક વ્યક્તિએ પાંચ વર્ષની માસુમ બાળકીને પીંખી નાંખી હતી. મહેસાણામાં એક સગીરા પર હોટલ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાતમાં જ એક ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં ભાજપ યુવા મોરચાના મંત્રીની સંડોવણી બહાર આવી હતી.








