મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ, 1600 યાત્રીઓ હજ જાય તેવો અંદાજ

દર વર્ષની જેમ આ વર્ષે પણ હજ યાત્રાએ જનારા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા

હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ, 1600 યાત્રીઓ હજ જાય તેવો અંદાજ

દર વર્ષની જેમ આ વર્ષે પણ હજ યાત્રાએ જનારા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક જ સ્થળે વિવિધ પ્રકારના જરૂરી ટેસ્ટ અને ચકાસણી થઈ શકે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં સીબીસી (Complete Blood Count), આરબીએસ (Random Blood Sugar), બ્લડ પ્રેશર, અને ઇસીજી જેવી તપાસોનો સમાવેશ થાય છે.

હજ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનો કેમ્પ તા.૧૪ થી ૧૯ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં આજ દિન સુધી 900 યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. સુરત જિલ્લાથી કુલ ૧,૬૦૦ હજ યાત્રીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, અને તમામ યાત્રીઓના સર્ટિફિકેટ સમયસર પૂરા કરવા માટે હોસ્પિટલે જુની સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા મેડિકલ કોલેજના સ્ટાફની મદદ સાથે કામગીરી તીવ્ર ગતિએ શરૂ કરી છે.

સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. કેતન નાયકએ જણાવ્યું કે, “હજ યાત્રીઓ સરળતાથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકે તે માટે એક જ છત હેઠળ તમામ તપાસ પૂર્ણ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૧૯ ઓક્ટોબર સુધી તમામ યાત્રીઓના ચેકઅપ અને સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.”

હજ કમિટી દ્વારા પણ આ કેમ્પ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈ.ચા.આર.એમ.ઓ ડો.લક્ષ્મણ ટેહલાની, નર્સિંગ એસોસિએશનના અશ્વિનભાઇ પંડયા અને હજ કમિટીના સભ્યો અક્રમભાઇ શાહ, ઝાહીર હકીમ, જુનેદભાઈ, એસ.આર.ખાન, જાવેદભાઇ કડીવાલા, જાવેદભાઇની દેખરેખ હેઠળ યાત્રીઓ માટે કાર્યક્ષમ અને સુચારી પ્રક્રિયા જાળવવામાં આવી રહી છે. ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટેની પ્રક્રિયાને ગતિશીલ બનાવવા અને યાત્રીઓને વધુ સમય ન બગાડવો પડે તે માટે તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો