અમદાવાદમાં હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે યોજાયું યુવા ચિત્રકાર સંવિત જોશીના ચિત્રોનું એક્ઝિબિશન
17થી 20 જાન્યુઆરી સુધી આ એક્ઝિબિશન પ્રેક્ષકો માટે 4વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લુ

17થી 20 જાન્યુઆરી સુધી આ એક્ઝિબિશન પ્રેક્ષકો માટે 4વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
“મને હંમેશા એવું લાગે છે કે મારા કામમાં કંઈક ખૂટે છે અને તેને કારણે મારા કામથી હું ક્યારેય સંતુષ્ટ થતો નથી” - આ શબ્દો છે ચિત્રકાર સન્વિત જોશીના. દરેક વ્યક્તિને તેના પૂર્વજો તરફથી વારસામાં કંઈકને કંઈક મળતું હોય છે તે જ રીતે, સંવિત જોશીને પિતા સૌમ્ય જોશી તરફથી કલાનો વારસો મળ્યો છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કરેલ સંવિત છેલ્લાં ઘણા વર્ષોથી પોતાની ચિત્રકલાથી કલ્પનાને વાસ્તવિકતામાં સર્જી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે. 17થી 20 જાન્યુઆરી સુધી હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે સંવિતના ચિત્રોનું એક્ઝિબિશન યોજાયું છે. “અંડરકૂક્ડ” શીર્ષક સાથે યોજાયેલ આ એક્ઝિબિશન પ્રેક્ષકો માટે 4વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
પોતાની જર્ની વિશે સંવિતે કહ્યું, “મને બાળપણથી જ ચિત્રો બનાવવાનો શોખ હતો. ઘણીવાર તો એવું બનતું પપ્પાના નાટકનાં રિહર્સલ ચાલતાં હોય અને હું મારી બૂકમાં ચિત્રો બનાવતો. આમ, કલા સાથે હું બાળપણથી જ જોડાયેલો છું. મારા જીવનમાં મેં ફિલ્મ મેકિંગ, રાઈટિંગ ઘણા પ્રકારનાં આર્ટ ફોર્મ ટ્રાય કર્યા છે પરંતુ ચિત્રકલા સાથે મારું કનેક્શન અતૂટ છે. હું મોટાભાાગે ફિગરેટીવ પેઈન્ટિંગ બનાવું છું પરંતુ મારો કોઈ સ્પેસિફિક જોનરા નથી. હું સમયાંતરે મારી સ્ટાઈલ બદલતો રહું છું."
આગળ સંવિતે કહ્યું, "આ એક્ઝિબિશન વિશે વાત કરું તો, આ એક્ઝિબિશન મારી અનઈઝીનેસ દર્શાવે છે અને અંડરકૂક્ડ નામ રાખવાનો હેતુ પણ આ જ હતો. હું જ્યારે પણ કંઈ કામ કરું ત્યારે હંમેશા એવું જ લાગતું કે હજુ પણ કંઈક ખૂટે છે પરંતુ પછી મને થયું કે, ક્યાં સુધી આમ જ પેઈન્ટિંગ્સ બનાવીશ અને મેં મારા કામને લોકો સામે રજૂ કરવાનું નક્કી કર્યું. મને ક્યારેય મારા કામથી સંતોષ થયો નથી અને તેને કારણે જ હું રોજ સ્ટુડિયોમાં જઈને વધારે સારું કરવાનો પ્રયત્ન કરું છું. હું માનું છું કે, અસંતોષ કોઈપણ કલાકારના ગ્રોથ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.”








