સુરતના કારેલીમાં એન્જિનિયર અને ટ્રેડરે ભેગા મળી સ્થાપી ડ્રગ્સની ફેક્ટરી, મુંબઈથી રો મટિરિયલ મંગાવ્યાનો પર્દાફાશ
ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફે

ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટીએસની રેઈડમાં અંદાજે રૂપિયા 50 કરોડનો ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31 કિલો લિકવિડ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ ફેક્ટરી શરૂ કરવામાં એન્જિનિયર અને ટ્રેડર સહિતના 3 ઈસમોએ મળીને પતરાનો શેડ દોઢ મહિના અગાઉ ભાડે લીધો હતો.
3 વ્યક્તિ અલગ અલગ જવાબદારી સંભાળતા
પકડાયેલા આરોપીઓમાં સુનિલ રાજનારાયન યાદવ ડ્રગ્સનું રો મટિરિયલ લાવવાનું કામ કરતો હતો. તેમજ વિજય જેઠાભાઇ ગજેરાએ ઈલેક્ટ્રિક એન્જનિયરિંગ કર્યું છે. તે ડ્રગ્સ બનાવવાની કામગીરી કરતો હતો. આરોપીઓ ઓનલાઈન વીડિયો જોઈને ડ્રગ્સ બનાવતા શીખ્યા હતાં. જ્યારે સુનિલ યાદવ ટ્રેડિંગના ધંધા સાથે સંકળાયેલ છે. જ્યારે અન્ય એક આરોપી હરેશ કોરાટને જૂનાગઢ એસ ઓ જી એ પકડી લીધો છે.
20 હજારમાં ભાડે શેડ રાખેલો
ડીવાયએસપી એસ.એલ.ચૌધરીએ કહ્યું કે, આરોપીઓએ દોઢ મહિના પહેલા જ ફેક્ટરી શરૂ કરી હતી. આ માટેનું ભાડું 20 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કેમિકલ ઉત્પાદનની આડમાં દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હોવાની માહિતીના આધારે એટીએસની ટીમે કાર્યવાહી કરી હતી. હાલમાં પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે. આગામી દિવસોમાં આમાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને ડ્રગ્સના ખરીદ-વેચાણમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓમાં એક સુરતનો, એક વાપીનો અને એક જૂનાગઢનો રહેવાસી છે.








